News of Monday, 6th April 2026
દેશમાં પ્રી-મોન્સૂન એક્શન મોડમાં : 7 થી 10 એપ્રિલ દરમિયાન ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા દેશવ્યાપી એલર્ટ જાહેર; રાજસ્થાન અને કેરળમાં ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડાની શક્યતા : વર્ષ 2025ના શાનદાર ચોમાસા બાદ 2026માં પણ મેઘરાજા મહેરબાન રહેવાના સંકેત

નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દેશના હવામાનમાં મોટા ફેરફારની આગાહી કરવામાં આવી છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે આગામી 7, 8, 9 અને 10 એપ્રિલ દરમિયાન દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2025માં સમગ્ર ચોમાસા દરમિયાન શાનદાર વરસાદ નોંધાયો હતો અને તે સિલસિલો ચોમાસું પૂર્ણ થયા બાદ પણ જારી રહ્યો હતો. હવે વર્ષ 2026માં પણ પ્રી-મોન્સૂનના આગમન સાથે જ સારા વરસાદના પૂર્વાનુમાન વચ્ચે હવામાન વિભાગે અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાત અને રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ સાથે વરસાદ:
પ્રી-મોન્સૂનનો પ્રભાવ રાજસ્થાન અને ગુજરાતમાં પણ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 7 થી 10 એપ્રિલ દરમિયાન રાજસ્થાનમાં અનેક જગ્યાએ ભારે તો ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ દરમિયાન 30 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવા, ધૂળની ડમરીઓ ઉડવા અને વીજળીના કડાકા-ભડાકા થવાની સંભાવના છે. ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવવાની અને વરસાદી ઝાપટાં પડવાની શક્યતા સેવાઈ રહી છે.
કેરળમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી:
કેરળમાં દર વર્ષની જેમ 2025માં પણ ચોમાસાએ સૌથી પહેલા દસ્તક આપી હતી અને ત્યારથી શરૂ થયેલો વરસાદી ક્રમ હજુ પણ અટક્યો નથી. પ્રી-મોન્સૂન હવે કેરળમાં વધુ આક્રમક બનશે, જેના કારણે 7 થી 10 એપ્રિલ દરમિયાન ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 30 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જામશે.
સમગ્ર દેશમાં વરસાદી માહોલની અસર:
હવામાન વિભાગના એલર્ટ મુજબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પણ ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, સિક્કિમ, છત્તીસગઢ, વિદર્ભ અને મહારાષ્ટ્રના મરાઠવાડા, કોંકણ તથા ગોવા સહિતના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે. ઉત્તર-પૂર્વના રાજ્યો જેવા કે અસમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર અને નાગાલેન્ડમાં પણ પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેજ બનશે.
દક્ષિણ ભારતમાં તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારોમાં ભારે વરસાદની સાથે કેટલીક જગ્યાએ કરા પડવાની પણ શક્યતા છે. દેશના ઉત્તર-પશ્ચિમ, પૂર્વીય અને મધ્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ધૂળભરી આંધી અને વીજળીના કડાકા થવાની સંભાવનાને પગલે તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
