<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

કેજરીવાલ અને ભગવંત માનને જાનથી મારવાની ધમકી

ઈમેલમાં લખ્‍યું - પંજાબ હવે ખાલિસ્‍તાન બનશે!

ચંદીગઢ તા.૬: પંજાબના પાટનગર ચંદીગઢમાં ભાજપ મુખ્‍યાલય બહાર થયેલા બ્‍લાસ્‍ટના માત્ર પાંચ દિવસ બાદ જ આજે ચંદીગઢ અને જાલંધરની અનેક શાળાઓ તથા સરકારી ઇમારતોને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકીભર્યા ઈમેલ મળતા જ સમગ્ર પ્રશાસન અને પોલીસ તંત્ર હરકતમાં આવ્‍યું હતું. ખાસ કરીને ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીના ગાંધી ભવનમાં રાત્રે ગ્રેનેડ હુમલો કરવાની વાત કહેવામાં આવતા સુરક્ષા એજન્‍સીઓ દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું.

આ ધમકીભર્યા સંદેશામાં પંજાબને ખાલિસ્‍તાન બનાવવાની ઉશ્‍કેરણીજનક વાત કરવામાં આવી છે. ઈમેલમાં લખવામાં આવ્‍યું છે કે, તમારા બાળકોને બચાવી લો, પંજાબ હવે ખાલિસ્‍તાન બનશે. ધમકી આપનારે ખાલિસ્‍તાન નેશનલ આર્મીનું સરનામું વાપરીને શાળાઓમાં નિર્ધારિત સમયે બ્‍લાસ્‍ટ કરવાની ચેતવણી આપી હતી. આ સાથે જ રાષ્ટ્રગીત બંધ કરવા અને અલગતાવાદી સૂત્રોચ્‍ચારો શરૂ કરવાની પણ વાત કરવામાં આવી છે.

સૌથી ગંભીર બાબત એ છે કે આ ઈમેલમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્‍ય પ્રધાન ભગવંત માનને જાનથી મારી નાખવાની સીધી ધમકી આપવામાં આવી છે. ઈમેલમાં સ્‍પષ્ટ લખ્‍યું છે કે બોમ્‍બ અથવા ગ્રેનેડ હુમલામાં કેજરીવાલ અને ભગવંત માનને પણ ઠોકી દેવામાં આવશે. આ સિવાય હરિયાણાના સીએમ નાયબ સિહ સૈની અને પંજાબના ડીજીપી ગૌરવ યાદવ પણ આતંકીઓના નિશાન પર હોવાનું જણાવાયું છે. અમૃતસરમાં સ્‍થિત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પણ ૧૪ એપ્રિલના રોજ બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.

આ ધમકીને પગલે પંજાબ અને ચંદીગઢની શાળાઓમાં બોમ્‍બ સ્‍ક્‍વોડ અને ડોગ સ્‍ક્‍વોડ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ફિરોઝપુર કોર્ટ કોમ્‍પ્‍લેક્‍સમાં ધમકી મળતા કામકાજ અટકાવી દેવામાં આવ્‍યું હતું અને બિલ્‍ડિંગ ખાલી કરાવાઈ હતી. જોકે, પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ શંકાસ્‍પદ વસ્‍તુ મળી આવી નથી, પરંતુ સાયબર સેલ ઈમેલનાસ્ત્રોતને શોધવા માટે તપાસ કરી રહ્યું છે

(2:58 PM IST)