News of Monday, 6th April 2026
ઈઝરાયેલી વાયુસેનાએ તેહરાનમાં ઘૂસીને IRGCના નવા ગુપ્તચર વડા માજિદ ખાદેમીને ફૂંકી માર્યા : કલાકોમાં જ લેબનોનમાં ઈમામ હુસૈન ડિવિઝનના આર્ટિલરી ચીફ સહિતના ટોચના કમાન્ડરોનો સફાયો કર્યો
ટ્રમ્પની ‘ડૂ ઓર ડાઈ’ જેવી ચેતવણી વચ્ચે ઈરાનનું લશ્કરી નેતૃત્વ છિન્નભિન્ન થયું

તેહરાન : ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે લોહીયાળ વળાંક પર પહોંચ્યો છે, જ્યાં ઈઝરાયેલ 'પસંદ કરી કરીને' ઈરાની શતરંજના મહોરાઓને ખતમ કરી રહ્યું છે. રવિવારે મોડી રાત્રે ઈઝરાયેલી ફાઈટર જેટ્સે એક અત્યંત ગુપ્ત મિશન પાર પાડીને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના ગુપ્તચર વડા માજિદ ખાદેમી ની હત્યા કરી છે. ખાદેમીએ હજુ ગત વર્ષે જ માર્યા ગયેલા મોહમ્મદ કાઝેમીનું સ્થાન સંભાળ્યું હતું, પરંતુ ઈઝરાયેલની પહોંચથી તેઓ પણ બચી શક્યા નહીં. ઈઝરાયેલના રક્ષા મંત્રી ઈઝરાયેલ કાત્ઝે ગર્જના કરતા કહ્યું કે ઈરાની નેતાઓ હવે 'મોતના ઓથાર' નીચે જીવી રહ્યા છે, કારણ કે અમે તેમને ગમે ત્યાંથી શોધીને ઠાર કરીશું.
ગુપ્તચર વડાના મોતનો આઘાત હજુ ઓસરે તે પહેલા જ ઈઝરાયેલે બીજો પ્રચંડ પ્રહાર 'ઈમામ હુસૈન ડિવિઝન' પર કર્યો. ઈઝરાયેલી વાયુસેનાએ આ ડિવિઝનના મુખ્ય મથકને નિશાન બનાવીને આર્ટિલરી ચીફ કામિલ મેલ્હેમ અને ડિવિઝન કમાન્ડર યાહ્યા હુસૈનના અંગત સહયોગીઓને ખતમ કરી નાખ્યા છે. મેલ્હેમ એ શખ્સ હતો જે ઈઝરાયેલી સૈનિકો પર ઘાતક આર્ટિલરી હુમલાઓનું માસ્ટરમાઇન્ડિંગ કરતો હતો અને વિદેશી હથિયારોની ખરીદીમાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો. આ ડબલ એટેકથી ઈરાનની કુદ્સ ફોર્સનું ગ્રાઉન્ડ નેટવર્ક સંપૂર્ણપણે પાયમાલ થઈ ગયું છે અને તેમની યુદ્ધ કરવાની ક્ષમતા નબળી પડી છે.
આ લશ્કરી તાંડવની વચ્ચે વૈશ્વિક રાજનીતિમાં પણ ગરમાવો આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવાર સુધીનું કડક અલ્ટીમેટમ આપ્યું છે કે જો હોર્મુઝની સામુદ્રધુનીમાં તેલ જહાજોનો માર્ગ મોકળો નહીં થાય અને યુદ્ધવિરામ પર સહમતી નહીં સધાય, તો અમેરિકા ઈરાનના મિસાઈલ પ્લાન્ટ્સ અને આર્થિક કેન્દ્રોને જમીનદોસ્ત કરી દેશે. ટ્રમ્પના ખાસ દૂત જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફ હાલમાં ઈરાની નેતૃત્વ સાથે 'તીવ્ર વાટાઘાટો' કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે સતત પડી રહેલા લશ્કરી ફટકા અને ટ્રમ્પની ધમકી સામે ઈરાન ઘૂંટણ ટેકવે છે કે પછી પશ્ચિમ એશિયા વધુ મોટા વિસ્ફોટ તરફ આગળ વધે છે.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
