News of Monday, 6th April 2026
આસામના રાજકારણમાં ‘પાસપોર્ટ’ પર જંગ: મુખ્યમંત્રી હિમંત શર્માની પત્નીનો ગૌરવ ગોગોઈને વેધક સવાલ – “શું તમારી પત્નીનું પાકિસ્તાનમાં બેંક ખાતું છે?”
કોંગ્રેસના ‘ગોલ્ડન વિઝા’ અને વિદેશી સંપત્તિના આરોપોને રિંકી ભૂયાન શર્માએ ગણાવ્યા હાસ્યાસ્પદ; CMએ કહ્યું – “પાકિસ્તાની સોશિયલ મીડિયાના ફેક ડોક્યુમેન્ટ્સ પર નાચવાનું બંધ કરો”

ગુવાહાટી, તા.૬: ૨૦૨૬ની આસામ વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગવા લાગ્યા છે અને તેની સાથે જ રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપોની મર્યાદાઓ ઓળંગાઈ રહી છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માની પત્ની રિંકી ભૂયાન શર્માએ કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈ પર વળતો પ્રહાર કરીને પાસપોર્ટ વિવાદમાં નવો વળાંક આપ્યો છે. રિંકી ભૂયાન શર્માએ માત્ર આરોપોને નકાર્યા જ નથી, પણ ગૌરવ ગોગોઈની પત્નીના બેંક ખાતા વિશે સવાલ પૂછીને કોંગ્રેસને ભીંસમાં મૂકી છે.
“અમારી પાસે વિદેશમાં કોઈ સંપત્તિ નથી”
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં રિંકી ભૂયાન શર્માએ સ્પષ્ટ કર્યું કે, “હું આ સસ્પેન્સનો અંત લાવું છું. મારે, મારા પતિ કે મારા બાળકોને દુબઈ કે ભારતની બહાર ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો વ્યવસાય કે સંપત્તિ નથી.” તેમણે ગૌરવ ગોગોઈને સીધો સવાલ પૂછતા ઉમેર્યું કે, “હવે તમારો વારો છે. શું તમે જાહેર કરી શકો છો કે તમારી પત્નીનું ક્યારેય પાકિસ્તાનમાં બેંક ખાતું હતું કે નહીં? અને શું તમે તેની વિગતો આપશો?”
કોંગ્રેસના આરોપો અને પલટવાર
વિવાદની શરૂઆત રવિવારે થઈ હતી જ્યારે કોંગ્રેસના નેતા પવન ખેરાએ આરોપ લગાવ્યો હતો કે હિમંત બિસ્વા શર્મા પાસે એકથી વધુ સક્રિય પાસપોર્ટ છે અને તેમની પત્નીની દુબઈ તેમજ અમેરિકામાં અઘોષિત મિલકતો છે. ખેરાએ સવાલ ઉઠાવ્યો હતો કે શું ભારતીય કાયદા મુજબ બેવડી નાગરિકતા રાખવી શક્ય છે? અને શું ગૃહમંત્રી અમિત શાહ આ વાતથી જાણકાર છે?
પાકિસ્તાની કનેક્શનનો સીએમનો દાવો
આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ પવન ખેરા અને ગૌરવ ગોગોઈ જે દસ્તાવેજોના આધારે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે તે સામગ્રી “પાકિસ્તાની સોશિયલ મીડિયા ગ્રુપ” દ્વારા પૂરી પાડવામાં આવી છે. તેમણે દાવો કર્યો કે યુએઈ અને ઇજિપ્તના જે પાસપોર્ટ બતાવવામાં આવી રહ્યા છે તે નકલી છે અને પાકિસ્તાની વ્યક્તિ દ્વારા અપલોડ કરવામાં આવ્યા છે.
કાનૂની લડાઈની તૈયારી
આ મામલે મુખ્યમંત્રી અને તેમના પત્ની બંનેએ પવન ખેરા વિરુદ્ધ ‘ખોટા દસ્તાવેજો’ના ઉપયોગ બદલ એફઆઈઆર (FIR) નોંધાવી છે. શર્માએ કટાક્ષ કર્યો કે કોંગ્રેસ ૨૪ કલાકમાં જ પોતાના દાવાઓ બદલી રહી છે, જે દર્શાવે છે કે તેમની પાસે કોઈ નક્કર પુરાવા નથી.
આમ, ૨૦૨૬ની ચૂંટણી પહેલા આસામના રાજકારણમાં ‘પાસપોર્ટ’, ‘પાકિસ્તાન’ અને ‘વિદેશી સંપત્તિ’ જેવા મુદ્દાઓએ જોર પકડ્યું છે, જેના કારણે આવનારા દિવસોમાં આ વિવાદ વધુ ઉગ્ર બને તેવી પૂરી શક્યતા છે.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
