<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

BSFનો માસ્ટરપ્લાન: હવે ઝેરી સાપ અને મગર ભારત-બાંગ્લાદેશ સરહદ પર કરશે 'પેટ્રોલિંગ'!

ઘૂસણખોરો સાવધાન! પશ્ચિમ બંગાળની નદીઓ અને કળણવાળા વિસ્તારોમાં BSF તૈનાત કરી શકે છે કુદરતી 'સૈનિકો' : વાડ બનાવવી જ્યાં અશક્ય છે ત્યાં મગર અને વીંછી બનશે ભારતની સુરક્ષાનું નવું કવચ

નવી દિલ્હી: ભારત-બાંગ્લાદેશની અટપટી ભૌગોલિક સરહદ પર ઘૂસણખોરી રોકવા માટે સીમા સુરક્ષા દળ હવે એક અનોખી અને રોમાંચક રણનીતિ પર કામ કરી રહ્યું છે. પશ્ચિમ બંગાળના સરહદી વિસ્તારોમાં જ્યાં ગંગા, પદ્મા, ઇચ્છામતી અને ફેની જેવી નદીઓ વહે છે, ત્યાં ભૌગોલિક પરિસ્થિતિને કારણે કાંટાળી વાડ બનાવવી લગભગ અશક્ય છે. આ નદીઓ ભારત અને બાંગ્લાદેશ બંને દેશોમાં વહેતી હોવાથી તેનો લાભ લઈને ઘૂસણખોરો સરળતાથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે. આ પડકારને પહોંચી વળવા માટે BSF હવે આ વિસ્તારોમાં ઝેરી સાપ, વીંછી અને ભૂખ્યા મગરોને તૈનાત કરવાની યોજના વિચારી રહ્યું છે, જે 'પ્રથમ નિવારક' તરીકે કામ કરશે.

આશરે 5,000 કિલોમીટર લાંબી ભારત-બાંગ્લાદેશ સરહદનો લગભગ 180 કિલોમીટરનો હિસ્સો અત્યંત કાદવ-કીચડ અને નદીઓથી ભરેલો છે. અત્યાર સુધી BSFના જવાનો જીવના જોખમે આ વિસ્તારોમાં ચોકીદારી કરતા આવ્યા છે, પરંતુ કુદરતી રક્ષકોની મદદ લેવાથી ઘૂસણખોરોમાં ભારે ફફડાટ ફેલાશે. યોજના મુજબ, કળણવાળા ભૂપ્રદેશમાં મગર અને ઝેરી સરિસૃપોની હાજરી માત્રથી જ ઘૂસણખોરીના સાહસ પર રોક લાગી શકે છે. જોકે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો નથી, પરંતુ ઉચ્ચ સ્તરે આ 'નેચરલ સિક્યુરિટી' મોડલ પર ગંભીરતાથી ચર્ચા ચાલી રહી છે.

BSFના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રણનીતિ પાછળનો હેતુ માનવીય દેખરેખની સાથે કુદરતનો ઉપયોગ કરવાનો છે. નદી કિનારે મગરોની હાજરી જળમાર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઘટાડશે, જ્યારે વીંછી અને સાપ જમીન માર્ગે આવતા તત્વો માટે અવરોધ બનશે. આ આધુનિક યુગમાં જ્યાં ડ્રોન અને સેન્સરનો ઉપયોગ થાય છે, ત્યાં ભારતની પ્રાચીન અને કુદરતી સંરક્ષણ પદ્ધતિની આ નવી પદ્ધતિ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે. જો આ યોજના અમલમાં આવશે, તો ભારતની સરહદો વધુ અભેદ્ય બનશે અને જવાનોની સુરક્ષામાં પણ વધારો થશે.

(6:29 PM IST)