News of Monday, 6th April 2026
Netflixને પડ્યો 'પ્રીમિયમ' ફટકો: 7 વર્ષના વધારાના પૈસા વ્યાજ સાથે પાછા આપવા કોર્ટનો આદેશ
રોમની અદાલતે 2017થી 2024 વચ્ચેના ભાવ વધારાને ગેરકાયદેસર ઠેરવ્યો : કોઈ પણ યોગ્ય કારણ વગર સબ્સ્ક્રિપ્શન મોંઘું કરવું Netflixને ભારે પડ્યું : હવે લાખો વપરાશકર્તાઓને ₹53,000 સુધીનું રિફંડ મળવાની શક્યતા અને દરરોજના દંડની લટકતી તલવાર

રોમ: દુનિયાની સૌથી મોટી વીડિયો સ્ટ્રીમિંગ કંપની Netflix માટે ઇટાલીથી અત્યંત માઠા સમાચાર આવ્યા છે. રોમની એક અદાલતે ચુકાદો આપ્યો છે કે કંપનીએ છેલ્લા 7 વર્ષમાં કરેલા સબ્સ્ક્રિપ્શન ભાવ વધારા ગ્રાહક સુરક્ષા કાયદાનું ઉલ્લંઘન કરે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે Netflix એ કોઈ પણ નક્કર કે ફરજિયાત કારણ આપ્યા વિના મનસ્વી રીતે ભાવમાં વધારો કર્યો હતો, જે ગ્રાહકો સાથેના કરારનો ભંગ છે. આ ઐતિહાસિક નિર્ણય બાદ હવે કંપનીએ વર્ષ 2017 થી 2024 વચ્ચે સબ્સ્ક્રિપ્શન લેનારા લાખો યૂઝર્સને વધારાની વસૂલેલી રકમ રિફંડ તરીકે પાછી આપવી પડશે. જો કોઈ ગ્રાહક 2017 થી પ્રીમિયમ પ્લાન વાપરે છે, તો તેને અંદાજે 53,000 રૂપિયા (500 યુરો) જેટલી મોટી રકમ પાછી મળી શકે છે.
કોર્ટે માત્ર રિફંડ જ નહીં, પરંતુ Netflix ના અહંકાર પર પણ પ્રહાર કર્યો છે. અદાલતે કંપનીને આદેશ આપ્યો છે કે આગામી 90 દિવસમાં તેણે પોતાની વેબસાઈટ અને ઇટાલીના મુખ્ય અખબારોમાં આ નિર્ણયની જાહેરખબર આપવી પડશે, જેથી ગ્રાહકોને તેમના રિફંડના અધિકાર વિશે ખબર પડે. જો Netflix આ માહિતી ઝુંબેશ શરૂ કરવામાં મોડું કરશે, તો તેણે દરરોજના 700 યુરો (અંદાજે ₹63,000) દંડ તરીકે ભરવા પડશે. ગ્રાહક સંગઠન 'Movimento Consumatori' ની આ જીતથી હવે સમગ્ર યુરોપ અને વિશ્વના અન્ય દેશોમાં પણ OTT પ્લેટફોર્મ્સ દ્વારા કરવામાં આવતા ભાવ વધારા પર કાનૂની તલવાર લટકવા લાગી છે.
બીજી તરફ, Netflix એ આ આદેશ સામે નારાજગી વ્યક્ત કરી છે અને ઉપરની અદાલતમાં અપીલ કરવાની તૈયારી બતાવી છે. કંપનીનું કહેવું છે કે તેમના તમામ બિઝનેસ મોડલ સ્થાનિક કાયદાઓ મુજબ જ છે. જોકે, જો આ નિર્ણય યથાવત રહેશે તો કંપનીને અબજો રૂપિયાનું નાણાકીય નુકસાન વેઠવું પડી શકે છે. ઇટાલીમાં લાખો સબ્સ્ક્રાઇબર્સ હવે રિફંડ માટે ઓનલાઇન અરજી કરવાની તૈયારી કરી રહ્યા છે. આ કેસ માત્ર Netflix માટે જ નહીં, પણ ડિઝની પ્લસ અને એમેઝોન પ્રાઇમ જેવા અન્ય પ્લેટફોર્મ્સ માટે પણ એક ચેતવણી સમાન છે કે ગ્રાહકોના ખિસ્સા પર મન ફાવે તેમ કાતર ચલાવવી હવે મોંઘી સાબિત થઈ શકે છે.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
