<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો કાળઝાળ ડ્રોન હુમલો: રહેણાંક ઈમારત ધરાશાયી થતા માસૂમ બાળક અને બે મહિલાઓના કરુણ મોત

રશિયાના પાવર ગ્રીડ પરના પ્રહારથી ૩ લાખ ઘરોમાં અંધપટ; વળતા જવાબમાં યુક્રેને રશિયાના ઓઈલ હબને બનાવ્યું નિશાન – રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ હથિયારો ખૂટી પડવાની વ્યક્ત કરી ચિંતા

ઓડેસા : રશિયા અને યુક્રેન વચ્ચેનો લોહિયાળ સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ રહ્યો છે. યુક્રેનના દક્ષિણી બંદર શહેર ઓડેસા પર રશિયાએ રાત્રિના અંધકારમાં કરેલા ડ્રોન હુમલાએ નિર્દોષ નાગરિકોનો ભોગ લીધો છે. આ હુમલામાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગને નિશાન બનાવવામાં આવી હતી, જેમાં બે મહિલાઓ અને માત્ર બે વર્ષના એક માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે.
કાટમાળ નીચે દબાયેલી જિંદગીઓ
ઓડેસામાં થયેલા આ હુમલા બાદ બચાવ ટીમોએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી અને કાટમાળ નીચે દબાયેલા ચાર લોકોને જીવતા બહાર કાઢ્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે હુમલામાં ઘાયલ થયેલા ૧૧ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રશિયાએ માત્ર રહેણાંક વિસ્તારો જ નહીં, પરંતુ યુક્રેનના પાવર ગ્રીડને પણ નિશાન બનાવ્યું છે, જેના કારણે ચેર્નિહિવ સહિતના પ્રદેશોમાં ૩ લાખથી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.
યુક્રેનનો વળતો પ્રહાર: રશિયાના ઓઈલ હબ પર હુમલો
પોતાની ધરતી પર થયેલા હુમલાનો બદલો લેવા માટે યુક્રેને પણ લાંબા અંતરના ડ્રોન દ્વારા રશિયાના મુખ્ય તેલ નિકાસ કેન્દ્ર ‘નોવોરોસિસ્ક’ ને નિશાન બનાવ્યું હતું. રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેમણે યુક્રેનના ૫૦ જેટલા ડ્રોન તોડી પાડ્યા છે, તેમ છતાં નોવોરોસિસ્કમાં થયેલા હુમલામાં બે બાળકો સહિત આઠ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ત્યાં પણ અનેક ઈમારતોને નુકસાન પહોંચ્યું છે.
હથિયારો ખૂટી રહ્યા હોવાની ઝેલેન્સકીની કબૂલાત
એક મહત્વપૂર્ણ મુલાકાતમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ સ્વીકાર્યું હતું કે સતત ચાલી રહેલા યુદ્ધને કારણે યુક્રેન પાસે હવે હથિયારોનો ભંડાર ખાલી થઈ રહ્યો છે. ખાસ કરીને અમેરિકન બનાવટની ‘પેટ્રિઅટ’ એર ડિફેન્સ સિસ્ટમની અછત વર્તાઈ રહી છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે જો સમયસર શસ્ત્રોની સપ્લાય નહીં મળે, તો રશિયન હુમલાઓ સામે દેશનો બચાવ કરવો અશક્ય બની જશે.
કાળા સમુદ્રના કિનારે રમાઈ રહેલી આ લોહીની હોળીમાં સામાન્ય નાગરિકો અને નાના બાળકો બલિ ચઢી રહ્યા છે. રશિયાના પાવર ગ્રીડ પરના હુમલાઓએ યુક્રેનના લાખો લોકોને અંધકાર અને ઠંડીમાં રહેવા મજબૂર કરી દીધા છે.

(8:37 PM IST)