મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિપક્ષનો મહાભિયોગ પ્રસ્તાવ ફગાવી દેતા રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણન
૧૯૩ સાંસદોની સહી સાથેના ઈતિહાસના પ્રથમ પ્રસ્તાવને બંધારણીય જોગવાઈઓ હેઠળ અસ્વીકાર : સી.પી. રાધાકૃષ્ણન દ્વારા તમામ પાસાઓની ચકાસણી બાદ લેવાયો મહત્વનો નિર્ણય

નવી દિલ્હી:ભારતના સંસદીય ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવને રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણન દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે. વિપક્ષી ગઠબંધન 'INDIA' બ્લોક દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા માટે આપવામાં આવેલી નોટિસને અધ્યક્ષે બંધારણીય જોગવાઈઓના અભ્યાસ બાદ અસ્વીકાર કર્યો છે. આગામી વિધાનસભા ચૂંટણીઓની જાહેરાત પૂર્વે વિપક્ષ દ્વારા આ આક્રમક પગલું ભરવામાં આવ્યું હતું, પરંતુ તેને સંસદીય મંજૂરી મળી શકી નથી.
૧૯૩ સાંસદોએ કરી હતી સહી:
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધના આ મહાભિયોગ પ્રસ્તાવ પર કુલ ૧૯૩ સાંસદોએ હસ્તાક્ષર કર્યા હતા. જેમાં લોકસભાના ૧૩૦ સભ્યો અને રાજ્યસભાના ૬૩ સભ્યોનો સમાવેશ થતો હતો. રાજ્યસભાના સેક્રેટરી જનરલ પી.સી. મોદી દ્વારા બહાર પાડવામાં આવેલા સંસદીય બુલેટિનમાં સભ્યોને જાણ કરવામાં આવી હતી કે ૧૨ માર્ચ, ૨૦૨૬ના રોજ ૬૩ રાજ્યસભા સાંસદોની સહી સાથેની નોટિસ મળી હતી. આ નોટિસમાં જ્ઞાનેશ કુમારને ભારતીય બંધારણની કલમ ૩૨૪(૫), મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર અધિનિયમ ૨૦૨૩, તેમજ ન્યાયાધીશ (તપાસ) અધિનિયમ ૧૯૬૮ હેઠળ પદ પરથી દૂર કરવાની માંગ કરવામાં આવી હતી.
અધ્યક્ષનો નિર્ણય અને બંધારણીય સત્તા:
રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણન દ્વારા આ મામલે તમામ સંબંધિત પાસાઓનું નિષ્પક્ષ અને વસ્તુલક્ષી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. બુલેટિનમાં જણાવ્યા અનુસાર, અધ્યક્ષે ન્યાયાધીશ (તપાસ) અધિનિયમ ૧૯૬૮ની કલમ ૩ હેઠળ પોતાની સત્તાનો ઉપયોગ કરીને આ પ્રસ્તાવને દાખલ કરવાની મનાઈ ફરમાવી છે. વિપક્ષી ગઠબંધન દ્વારા ૧૨ માર્ચે સંસદના બંને ગૃહોમાં આ નોટિસ સુપરત કરવામાં આવી હતી, જેને હવે સત્તાવાર રીતે નકારી દેવામાં આવી છે.
આ નિર્ણય સાથે જ ચૂંટણી કમિશનર વિરુદ્ધની મહાભિયોગની કાર્યવાહી પર હાલ વિરામ મુકાયો છે. બંધારણીય નિષ્ણાતોના મતે, આ પ્રકારના પ્રસ્તાવ માટે અત્યંત મજબૂત કાયદાકીય આધારોની જરૂર હોય છે, જેની ગેરહાજરીમાં અધ્યક્ષે આ પગલું લીધું હોવાનું જણાય છે. આ ઘટનાક્રમ બાદ હવે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય ઘર્ષણ વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
