જાપાનનો ‘માસ્ટર પ્લાન’: હવે ધરતી પર નહીં પણ ચંદ્ર પર બનશે કોમ્પ્યુટર ચિપ્સ! જાપાની એન્જિનિયરનું અત્યંત સાહસિક સપનું, ૨૦૪૦ સુધીમાં સ્પેસ ફેક્ટરી સાકાર કરવાની તૈયારી
રેપિડસ (Rapidus) કંપનીના વડા અત્સુયોશી કોઈકેનું વિઝનરી સ્ટેપ; ચંદ્રનું ઓછું ગુરુત્વાકર્ષણ અને શૂન્યાવકાશ ચિપ ઉત્પાદન માટે બનશે આશીર્વાદ, હાઈ-સ્પીડ ડિલિવરી માટે વસૂલશે ‘શિંકાનસેન ફી’

ટોક્યો : વિશ્વમાં સેમિકન્ડક્ટર અને માઇક્રોચિપ્સની વધતી માંગ વચ્ચે જાપાન એક એવું પગલંં ભરવા જઈ રહ્યું છે જે સાંભળવામાં સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું લાગે છે. જાપાની સરકાર સમર્થિત ટેક કંપની 'રેપિડસ'ના વડા અને દિગ્ગજ એન્જિનિયર અત્સુયોશી કોઈકે હવે ચંદ્ર પર કોમ્પ્યુટર ચિપ્સ બનાવવાનું સપનું સેવી રહ્યા છે. તેમનું માનવું છે કે ૨૦૪૦ના દાયકા સુધીમાં ચંદ્ર પર ચિપ ફેક્ટરી સ્થાપવી એ માત્ર કલ્પના નહીં પણ વાસ્તવિકતા હશે.
ચંદ્ર જ કેમ? વિજ્ઞાન શું કહે છે?
કોઈકેના મતે, ચંદ્ર પરનું ઓછું ગુરુત્વાકર્ષણ અને ત્યાંનું કુદરતી શૂન્યાવકાશ (Vacuum) વાતાવરણ અત્યંત સંવેદનશીલ અને અત્યાધુનિક ચિપ્સ બનાવવા માટે આદર્શ છે. પૃથ્વી પર જે પ્રક્રિયામાં અનેક અવરોધો આવે છે, તે ચંદ્રના પર્યાવરણમાં ખૂબ સરળ અને વધુ સચોટ બની શકે છે. કોઈકે આ બાબતે અત્યંત ગંભીર છે અને તેમનું લક્ષ્ય જાપાનને ફરી એકવાર ગ્લોબલ ચિપ માર્કેટના સિંહાસન પર બેસાડવાનું છે.
૨ નેનોમીટર ચિપનો સીમાચિહ્ન અને IBM સાથે હાથ મિલાવ્યા
રેપિડસ કંપનીએ અમેરિકન જાયન્ટ IBM સાથે મળીને ૨-નેનોમીટર (2nm) પ્રોટોટાઇપ ચિપ બનાવીને પહેલેથી જ દુનિયાને ચોંકાવી દીધી છે. હાલમાં માત્ર તાઈવાનની TSMC અને દક્ષિણ કોરિયાની સેમસંગ જ આ ક્ષેત્રમાં મહારત ધરાવે છે. જાપાની એન્જિનિયરો અત્યારે ન્યૂયોર્કમાં IBM ના નિષ્ણાતો સાથે ખાસ તાલીમ લઈ રહ્યા છે જેથી આગામી વર્ષ સુધીમાં મોટા પાયે ઉત્પાદન શરૂ કરી શકાય.
ચિપ ડિલિવરીમાં ‘બુલેટ ટ્રેન’ જેવી ઝડપ
માત્ર ચંદ્ર પર ઉત્પાદન જ નહીં, પણ કોઈકે પાસે ગ્રાહકોને આકર્ષવા માટે એક ‘ગુપ્ત શસ્ત્ર’ પણ છે, અને તે છે ગતિ (Speed). સામાન્ય રીતે ચિપ બનાવવામાં ૫૦ દિવસ જેટલો સમય લાગે છે, પરંતુ રેપિડસ તેને ઘટાડીને માત્ર ૧૫ દિવસ કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ એક્સપ્રેસ સેવા માટે તેઓ જાપાનની પ્રખ્યાત બુલેટ ટ્રેનના નામ પરથી ‘શિંકાનસેન ફી’ (Premium Charge) વસૂલવાની યોજના ધરાવે છે.
કોઈકે સ્વીકારે છે કે અગાઉ યુએસ કંપનીઓ સાથે ભાગીદારી ન કરવી એ જાપાનની મોટી ભૂલ હતી, પરંતુ હવે તેઓ IBM સાથે ખભેખભો મિલાવીને ભવિષ્યની ટેકનોલોજી પર કબજો કરવા તૈયાર છે. જો આ ચંદ્ર ફેક્ટરી સાકાર થશે, તો તે માનવ ઇતિહાસની સૌથી મોટી ટેકનોલોજીકલ સિદ્ધિ ગણાશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
