News of Tuesday, 7th April 2026
પિતાના મૃત્યુ પછી છૂટાછેડા થયા હોય તો પુત્રીને ફેમિલી પેન્શનનો હક નહિ
ત્રિપુરા હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો : કેટલીક પરિસ્થિતિઓમાં જ કુંવારી, વિધવા અથવા છૂટાછેડાવાળી પુત્રીને પેન્શનનો અધિકાર મળે

અગરતલા,તા.૭: ત્રિપુરા હાઈકોર્ટે છૂટાછેડાવાળી પુત્રીને ફેમિલી પેન્શન મળવાના મુદ્દે મહત્ત્વપૂર્ણ ફેંસલો એપ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું કે જો પિતાને પેન્શન મળતું હતું અને એમના મૃત્યુ પછી પુત્રીના છૂટાછેડા થાય છે તો એ ફેમિલી પેન્શનની હકદાર બનશે નહિ. ત્રિપુરા સ્ટેટ સિવિલ સર્વિસ રૂલ-૨૦૧૭ના નિયમ-૮ મુજબ ફેમિલી પેન્શનમાં એને જ ભાગ મળી શકે છે કે જે કુટુંબમાં સામેલ હોય.
ન્યાયમૂર્તિ એસ. દધા પુરકાયસ્થે ફેંસલામાં જણાવ્યું કે કેટલીક પરિસ્થિતિઓમાં કુંવારી પુત્રીઓ, વિધવા અથવા છૂટાછેડાવાળી પુત્રીને ફેમિલી પેન્શનનો અધિકાર આપવામાં આવે છે. જો કે આ કેસમાં પુત્રી અને એનો પતિ પહેલેથી જ અલગ રહી રહ્યા હતા, પરંતુ એમના છૂટાછેડા પિતાના મોત પછી જ થયા છે. આવી પરિસ્થિતિમાં પુત્રીને પેન્શનનો હક મળી શકતો નથી. આવા કેસમાં પુત્રીને પેન્શનનો અધિકાર આપી શકાતો નથી, એમ કોર્ટે જણાવ્યું અને સ્પષ્ટ કર્યું કે આ ફેંસલો કોઈ પ્રકારે ભેદભાવભર્યો નથી. કારણ કે કોર્ટ નિયમોમાં ફેરબદલ કરી શકતી નથી. આ કેસની વિગત એવી છે કે અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કર્મચારી નિવૃત્ત થયા પછી એમને પેન્શન મળતું હતું. ૨ ડિસેમ્બર, ૨૦૧૮ના દિવસે
એમનું અવસાન થયું. આ કર્મચારીની વિવાહિત પુત્રીને એના પતિએ લગ્નના થોડા દિવસોમાં જ પડતી મૂકી હતી. એ પછી પિતાની પાસે જ રહેતી હતી અને એમના પર જ નિર્ભર હતી. ૨૦૨૧માં પુત્રીના છૂટાછેડા થતાં એણે ફેમિલી પેન્શન માટે અરજી કરી હતી, જેને અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ ફગાવી દીધી હતી. આથી પુત્રીએ ફેમિલી પેન્શન માટે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઇકોર્ટે એના ફેંસલામાં ઉમેર્યું છે કે અરજદાર પુત્રી, પિતાના મૃત્યુ વખતે એમના પર નિર્ભર હતી એ બરાબર પરંતુ પરિવારમાં એનું સ્ટેટસ નહોતું. પુત્રી એના પતિથી અલગ રહેતી હતી, પરંતુ એના છૂટાછેડા થયા નહોતા. આવી પરિસ્થિતિમાં નિયમાનુસાર પરણેલી પુત્રી ફેમિલી પેન્શન માટે હકદાર નથી.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
