<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

ન્‍યુક્‍લિયર સુપર પાવર બનવા તરફ ભારતની છલાંગઃ કલ્‍પક્કમમાં ઐતિહાસિક સિદ્ધિ

પરમાણુ ઊર્જાના બીજા તબક્કામાં પ્રવેશ કર્યોઃ જે ભવિષ્‍યમાં થોરિયમના ઉપયોગ માટેના દ્વાર ખોલશે : વડાપ્રધાન મોદીએ વૈજ્ઞાનિકોના કૌશલ્‍યને બિરદાવ્‍યું: રશિયા બાદ ભારત હવે વિશ્વનું બીજું એવું રાષ્‍ટ્ર બન્‍યું જે જરૂરિયાત કરતા વધુ પરમાણુ ઈંધણ જાતે જ પેદા કરશે

કલ્‍પક્કમ, તા.૭: ભારતની પરમાણુ યાત્રામાં ૬ એપ્રિલની રાત સુવર્ણ અક્ષરે લખાઈ ગઈ છે. તમિલનાડુના દરિયાકાંઠે આવેલા કલ્‍પક્કમમાં ભારતીય વૈજ્ઞાનિકોએ એ અશકયને શકય કરી બતાવ્‍યું છે, જેનું સપનું દાયકાઓ પહેલા જોવામાં આવ્‍યું હતું. સ્‍વદેશી ટેકનોલોજીથી બનેલા પ્રોટોટાઇપ ફાસ્‍ટ બ્રીડર રિએક્‍ટર એ સફળતાપૂર્વક ક્રિટીકેલિટી હાંસલ કરી છે. પીએમ મોદીએ આ સિદ્ધિને ભારતની આત્‍મનિર્ભરતાનું પ્રતીક ગણાવ્‍યું છે. હવે ભારત માત્ર ઉર્જા વાપરનાર દેશ જ નહીં, પણ ઉર્જા પેદા કરનાર ન્‍યુક્‍લિયર બ્રીડર બની ગયો છે, જે વૈશ્વિક સ્‍તરે ભારતની ધાક જમાવશે.

આ રિએક્‍ટરની જાદુઈ ખાસિયત એ છે કે તે અક્ષય પાત્ર જેવું છે; તે જેટલું બળતણ વાપરે છે, તેનાથી વધુ બળતણ પ્રક્રિયા દરમિયાન ઉત્‍પન્ન કરે છે. અત્‍યાર સુધી માત્ર રશિયા પાસે જ આવી કોમર્શિયલ ક્ષમતા હતી, પરંતુ હવે ભારતે આ ક્‍લબમાં એન્‍ટ્રી કરીને દુનિયાને ચોંકાવી દીધી છે. માર્ચ ૨૦૨૪માં જ્‍યારે પીએમ મોદીએ વ્‍યક્‍તિગત રીતે આ પ્‍લાન્‍ટની મુલાકાત લીધી હતી, ત્‍યારથી જ આ ઐતિહાસિક ક્ષણની રાહ જોવાતી હતી. આ સફળતા સાથે ભારત હવે વિદેશી યુરેનિયમની મોંઘી આયાતમાંથી મુક્‍તિ મેળવવા તરફ મજબૂત રીતે આગળ વધી રહ્યું છે.

સૌથી રોમાંચક પાસું તો એ છે કે આ રિએક્‍ટર ભારત માટે થોરિયમ ક્રાંતિનો દરવાજો ખોલશે. ભારત પાસે વિશ્વનો ૨૫% થોરિયમનો જથ્‍થો છે, જે અત્‍યાર સુધી ટેકનોલોજીના અભાવે વણવપરાયેલો હતો. આ ફાસ્‍ટ બ્રીડર રિએક્‍ટરની સફળતા બાદ, ભારત હવે આ વિશાળ થોરિયમ ભંડારને વીજળીમાં રૂપાંતરિત કરી શકશે. આવનારી પેઢીઓ માટે આ એક એવું વરદાન સાબિત થશે, જ્‍યાં ભારત કયારેય અંધકારમાં નહીં રહે અને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં વિશ્વનું નેતળત્‍વ કરશે. 

(11:00 AM IST)