સીએમ હિમંતાની પત્ની પર નકલી પાસપોર્ટ રાખવાનો આરોપ લગાવતા આસામ પોલીસના પવન ખેરાના ઘરે દરોડા
પવન ખેરાએ ત્રણ દેશોના પાસપોર્ટ હોવાનો દાવો કરતા ખળભળાટ મચ્યો હિમંતા શર્માએ પાકિસ્તાની કનેક્શન હોવાની આશંકા સાથે જેલ ભેગા કરવાની આપી કડક ચેતવણી

નવી દિલ્હી, તા.૭: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાની મુશ્કેલીઓમાં ધરખમ વધારો થયો છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માના પત્ની રિંકી ભુયાન શર્મા પર નકલી વિદેશી પાસપોર્ટ રાખવાનો ગંભીર આરોપ લગાવ્યા બાદ, આસામ પોલીસની એક ટીમ દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત ખેરાના નિવાસસ્થાને પહોંચી હતી. જોકે, પોલીસ દરોડા સમયે પવન ખેરા ઘરે હાજર નહોતા અને તેઓ દિલ્હી બહાર અન્ય રાજ્યમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આસામ પોલીસે સ્થાનિક પોલીસની મદદ લઈને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે, જેનાથી રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.
પવન ખેરાએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે રિંકી ભુયાન પાસે ત્રણ અલગ-અલગ દેશોના સક્રિય પાસપોર્ટ છે અને તેઓ વિદેશમાં મોટી મિલકતો ધરાવે છે. આ આક્ષેપો સામે સીએમ હિમંતાએ આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, આ આરોપો પાછળ પાકિસ્તાની લિંક્સ હોઈ શકે છે અને તે ચૂંટણીને પ્રભાવિત કરવાનું ષડયંત્ર છે. રિંકી ભુયાન શર્માએ પણ આ આરોપોને સદંતર ફગાવતા જણાવ્યું હતું કે આ બધું જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફોટોશોપના માધ્યમથી ઉભું કરવામાં આવેલું નર્યું જૂઠાણું છે.
આ મામલે હિમંતા બિસ્વા શર્મા અને પવન ખેરા વચ્ચે શરૂ થયેલું વાક યુદ્ધ હવે કાયદાકીય જંગમાં ફેરવાયું છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ખેરા વિરુદ્ધ આતંકવાદી જૂથો સાથેના સંપર્ક અને ભ્રામક પ્રચાર બદલ રાજ્યમાં ૪ જેટલી FIR નોંધવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે ચૂંટણી બાદ ખેરાનું અંતિમ સરનામું આસામની જેલ હશે. બીજી તરફ, કોંગ્રેસે આ કાર્યવાહીને લોકશાહીનો અવાજ દબાવવાનો અને તપાસ એજન્સીઓનો દુરુપયોગ ગણાવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આસામ પોલીસ આગામી સમયમાં શું કાર્યવાહી કરે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
