News of Tuesday, 7th April 2026
ભારતમાં નવા શ્રમ કાયદા નવેમ્બર 2025ના નવા નિયમ મુજબ કર્મચારી 5 વર્ષ નહીં 1 વર્ષની નોકરી બાદ પણ ગ્રેચ્યુટી મેળવવા હકદાર
આ નવા નિયમ માત્ર એવા કર્મચારીઓ પર લાગુ થશે જેઓ 21 નવેમ્બર 2025 બાદ નોકરીમાં જોડાયા છે, જે લોકો આ તારીખ પહેલા નોકરી કરી રહ્યા છે, તેમની માટે ગ્રેચ્યુટીના જુના નિયમ જ લાગુ થશે

નવી દિલ્હી તા.૭ : ભારતમાં નવા શ્રમ કાયદા નવેમ્બર 2025થી લાગુ થયા છે. નવા નિયમ મુજબ કર્મચારી 5 વર્ષ નહીં 1 વર્ષની નોકરી બાદ પણ ગ્રેચ્યુટી મેળવવા હકદાર છે. ચાલો જાણીયે કોણ આ લાભ મેળવવા હકદાર છે.
નવા લેબર કોડમાં ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેની સીધી અસર કર્મચારીઓના પગાર, ગ્રેચ્યુટી અને પેન્શન પર થઇ છે. નવા શ્રમ કાયદામાં ગ્રેચ્યુટી સંબંધિત નિયમમાં ફેરફાર કરાયો છે, આથી કર્મચારીને ગ્રેચ્યુટી ફંડ મેળવવા માટે 5 વર્ષ સુધી રાહ જોવી પડશે નહીં, 1 વર્ષમાં પણ ગ્રેચ્યુટી મેળવી શકાય છે. જો કે તેનો લાભ દરેક કર્મચારીને મળશે નહીં. નવા નિયમ અમુક ખાસ કેટેગરીના કર્મચારીને જ મળશે. ચાલો જાણીયે ગ્રેચ્યુટી ફંડના નવા નિયમ અને કોને લાભ મળશે.
ગ્રેચ્યુટી માટે નવા નિયમ ક્યારથી લાગુ ગણાશે?
સરકાર દ્વારા પ્રસ્તાવિત નવા નિયમ મુજબ, હવે કર્મચારી માત્ર એક વર્ષની નોકરી બાદ પણ ગ્રેચ્યુટી મેળવવા હકદાર રહેશે. નવા નિયમ 21 નવેમ્બર, 2025 થી લાગુ થયા છે. અલબત્ત સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, આ નવા નિયમ માત્ર એવા કર્મચારીઓ પર લાગુ થશે જેઓ 21 નવેમ્બર 2025 બાદ નોકરીમાં જોડાયા છે. જે લોકો આ તારીખ પહેલા નોકરી કરી રહ્યા છે, તેમની માટે ગ્રેચ્યુટીના જુના નિયમ જ લાગુ થશે.
1 વર્ષમાં કોને ગ્રેચ્યુટી મળશે?
નવા શ્રમ કાયદા હેઠલ 1 વર્ષમાં ગ્રેચ્યુટીનો ફાયદો દરેક કર્મચારીને મળશે નહીં. આ લાભ ખાસ કરીને ફિક્સ્ડ ટર્મ અને કોન્ટ્રાક્ટ પર કામ કરનાર કર્મચારીઓને મળશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ગ્રેચ્યુટીના નવા નિયમ 21 નવેમ્બર, 2025થી લાગુ માનવામાં આવશે.
એટલે કે એવા કર્મચારી, જે 31 નવેમ્બર 2025થી નવા શ્રમ કાયદા લાગુ થયા બાદ કોઇ કંપનીમાં જોડાયા છે, 1 વર્ષ સુધી સતત નોકરી કર્યા બાદ ગ્રેચ્યુટી ફંડ મેળવવા હકદાર રહેશે. તો કાયમી કર્મચારીઓ માટે હજી પણ સામાન્ય રીતે 5 વર્ષની નોકરી પૂરી કર્યા બાદ ગ્રેચ્યુટી મેળવવા હકદાર રહેશે. અલબત્ત મૃત્યુ, વિકલાંગતા જેવી પરિસ્થિતિમાં અલગ નિયમ લાગુ થાય છે.
ગ્રેચ્યુટી કેવી રીતે મળશે?
ફિક્સ્ડ ટર્મ કર્મચારી એટલે જેમને કંપની ચોક્કસ સમય જેમ કે 1 વર્ષ, 3 વર્ષ માટે કોન્ટ્રાક્ટ પર રાખે છે. આવા કર્મચારીને તેમની નોકરીના કાર્યકાળ મુજબ ગ્રેચ્યુટી મળશે. એટલે કે જેટલા વર્ષ નોકરી કરશે તેના ગુણોત્તરમાં ગ્રેચ્યુટી મળે છે, પછી ભલે નોકરીમાં 5 વર્ષ પૂરા ન કર્યા હોય. 1 વર્ષ નોકરીના બદલામાં 1 ગ્રેચ્યુટી ફંડ મળશે.
ગ્રેચ્યુટીની ગણતરી
નવા નિયમમાં ગ્રેચ્યુટીની ગણતરી પગાર પર આધારિત હશે,જેમા બેઝિક સેલેરી, મોંઘવારી ભથ્થુ (DA) અને રિટેનિંગ એલાઉન્સ સામેલ છે. સાથે જ એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે, કુલ વેતન CTC ના ઓછામાં ઓછા 50 ટકા હોવું જોઇએ. તેનાથી સીધો ફાયદો એ થશે કે, જે કર્મચારીઓનું બેઝિક સેલેરી અગાઉ ઓછી હતી, તેમને હવે પહેલાની તુલનામાં વધુ ગ્રેચ્યુટી મળી શકે છે.
કંપની ગ્રેચ્યુટી આપવાની ના પાડે તો...
જો કંપની ગ્રેચ્યુટી આપવાની ના પડે તો, ગભરાશો નહીં. સૌથી પહેલા તમારી કંપનીના એચઆર કે મેનેજર સાથે આ વિશે વાત કરો. જો તેમ છતાં આપવા ઇન્કાર કરે તો, તમે ઔપચારિક ફરિયાદ કરી શકો છો. તે તમારો અધિકાર છે, જરૂર પડે તો લેબર કમિશનમાં પણ ફરિયાદ દાખલ કરી શકાય છે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
