News of Tuesday, 7th April 2026
બેંગલુરુથી લંડન અને અમેરિકા જવું હવે બનશે સાવ સરળ: વર્જિન એટલાન્ટિકે ફ્લાઈટ્સની સંખ્યામાં કર્યો ધરખમ વધારો
1 જૂનથી દર અઠવાડિયે 13 ફ્લાઈટ્સ ઉડાન ભરશે: મુંબઈ રૂટ પર વિશાળ એરબસ A350 મુકાતા મુસાફરોને મળશે લક્ઝુરિયસ અનુભવ અને વધુ સીટ્સ

મુંબઈ, તા.7: ભારતના આઈટી હબ બેંગલુરુ અને બ્રિટનની રાજધાની લંડન વચ્ચેની મુસાફરી કરનારાઓ માટે ખુશખબર છે. પ્રખ્યાત બ્રિટિશ એરલાઇન વર્જિન એટલાન્ટિક એ ભારત પ્રત્યેના તેના પ્રેમને વધુ મજબૂત કરતા બેંગલુરુ-લંડન રૂટ પર ફ્લાઈટ્સની ફ્રિકવન્સી વધારવાની જાહેરાત કરી છે. આગામી 1 જૂનથી, એરલાઇન અઠવાડિયામાં 11 ને બદલે 13 ફ્લાઈટ્સ ઓપરેટ કરશે, જેનાથી મુસાફરોને વધુ પસંદગી અને સુવિધા મળશે.
અમેરિકા અને કેનેડા માટે કનેક્ટિવિટી થશે મજબૂત
આ માત્ર લંડન જવા માટે જ નહીં, પરંતુ ત્યાંથી આગળ ટોરોન્ટો, ન્યૂયોર્ક, સિએટલ અને સાન ફ્રાન્સિસ્કો જેવા ઉત્તર અમેરિકાના શહેરોમાં જવા માંગતા ભારતીયો માટે પણ વરદાન સાબિત થશે. ડેલ્ટા એરલાઇન્સ અને એર ફ્રાન્સ-કેએલએમ સાથેના જોડાણને કારણે મુસાફરો બેંગલુરુથી સીમલેસ કનેક્ટિવિટીનો આનંદ માણી શકશે.
મુંબઈના મુસાફરો માટે ખાસ ભેટ
વર્જિન એટલાન્ટિકે મુંબઈના મુસાફરોને પણ સરપ્રાઈઝ આપી છે. 15 મે સુધી લંડન-મુંબઈ રૂટ પર બોઇંગ 787 ના બદલે વિશાળકાય એરબસ A350 વિમાન ઉડાડવામાં આવશે. આ ફેરફારથી પેસેન્જર ક્ષમતામાં 30% નો વધારો થશે, જે વેકેશનની સીઝનમાં ટિકિટની અછતને દૂર કરવામાં મદદ કરશે. એરબસ A350 તેની આધુનિક સુવિધાઓ અને વધુ જગ્યા ધરાવતી કેબિન માટે જાણીતું છે.
ભારત-વર્જિન એટલાન્ટિકની ગાઢ દોસ્તી
એરલાઇનના ઇન્ડિયા કન્ટ્રી મેનેજર શિવાની સિંહે જણાવ્યું હતું કે, "અમેરિકા પછી ભારત અમારા માટે સૌથી ઝડપથી વિકસતું બજાર છે. બેંગલુરુમાં અમારો વિસ્તાર વધવો એ સાબિત કરે છે કે ભારતનું ટેક-કેન્દ્ર વૈશ્વિક વેપાર માટે કેટલું મહત્વનું છે." ઇન્ડિગો સાથેની ભાગીદારીને કારણે હવે ગોવા, જયપુર અને અમૃતસર જેવા 30 થી વધુ શહેરોના મુસાફરો પણ આ આંતરરાષ્ટ્રીય નેટવર્કનો લાભ લઈ શકશે.
મુસાફરોને શ્રેષ્ઠ અનુભવ આપવા માટે એરલાઇને ફ્લાઇટ દીઠ ભારતીય ક્રૂ મેમ્બર્સની સંખ્યામાં પણ વધારો કર્યો છે. હવે લંડન જતી તમારી સફર વધુ આરામદાયક અને 'દેશી' ટચ વાળી બની રહેશે.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
