<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

વિયેતનામ જનારા ભારતીયો સાવધાન! ફૂ ક્વોક ટાપુની 'વિઝા-ફ્રી' એન્ટ્રી બની શકે છે મુસીબતનું કારણ, ભારતીય દૂતાવાસે જારી કરી ખાસ એડવાઈઝરી

ટાપુ છોડીને મુખ્ય શહેરોમાં જશો તો ફસાઈ જશો: પાસપોર્ટ ખોવાઈ જવાના કિસ્સામાં 'એક્ઝિટ પરમિટ' માટે 5 દિવસની જોખમી રાહ, જાણો વિયેતનામ પ્રવાસના નવા નિયમો

હનોઈ, તા.7: જો તમે પણ વિયેતનામના સુંદર 'ફૂ ક્વોક' (Phu Quoc) ટાપુ પર વિઝા વગર ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે. વિયેતનામ સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય પ્રવાસીઓ માટે એક ગંભીર ચેતવણી જારી કરી છે. દૂતાવાસના જણાવ્યા અનુસાર, ફૂ ક્વોક ટાપુ પર મળતી 'વિઝા-ફ્રી' એન્ટ્રીની સુવિધા માત્ર તે ટાપુ પૂરતી જ સીમિત છે, જે અજાણતામાં ભારતીયો માટે કાયદાકીય ફાંદો બની શકે છે.
શું છે વિઝા-ફ્રી એન્ટ્રીનું જોખમ?
વિયેતનામ સરકાર ફૂ ક્વોક ટાપુ માટે ભારતીયોને વિઝા વગર પ્રવેશવા દે છે, પરંતુ આ છૂટછાટ હો ચી મિન્હ સિટી કે હનોઈ જેવા મુખ્ય શહેરો માટે લાગુ પડતી નથી. જો કોઈ પ્રવાસી પાસે માન્ય વિઝા ન હોય અને ટાપુ પર રોકાણ દરમિયાન અચાનક તબીબી કટોકટી સર્જાય અથવા ફ્લાઈટ કેન્સલ થવાને કારણે ટાપુ છોડીને મુખ્ય ભૂભાગમાં જવું પડે, તો તેઓ ગંભીર મુશ્કેલીમાં મુકાઈ શકે છે. વિઝા વગર મુખ્ય ભૂભાગમાં પ્રવેશવા પર કડક પ્રતિબંધ હોવાથી ઈમિગ્રેશનને લગતી સમસ્યાઓ અને સારવારમાં વિલંબ થઈ શકે છે. તેથી જ દૂતાવાસે સલાહ આપી છે કે ભલે તમારો પ્રવાસ માત્ર ટાપુ પૂરતો હોય, તો પણ અગાઉથી યોગ્ય વિઝા મેળવી લેવા હિતાવહ છે.
પાસપોર્ટ ખોવાઈ જાય તો શું?
બીજી મોટી મુશ્કેલી પાસપોર્ટ ખોવાઈ જવાના કિસ્સામાં છે. જો વિયેતનામમાં તમારો પાસપોર્ટ ખોવાય, તો ભારતીય સત્તાવાળાઓ તે જ દિવસે ઇમરજન્સી ડોક્યુમેન્ટ આપી શકે છે, પરંતુ અસલી સંકટ વિયેતનામીસ સત્તાવાળાઓ પાસેથી 'એક્ઝિટ પરમિટ' મેળવવામાં છે. આ પરમિટ મળતા સામાન્ય રીતે 3 થી 5 કામકાજના દિવસો લાગે છે. ત્યાં સુધી ભારતીય નાગરિકોએ ફરજિયાતપણે વિયેતનામમાં જ રોકાવું પડે છે, જેના કારણે પ્રવાસીઓનો ખર્ચ અને માનસિક તણાવ વધી શકે છે.
દૂતાવાસની મહત્વની ટિપ્સ:
•    વિયેતનામ પહોંચતા પહેલા ઈ-વિઝા અથવા રેગ્યુલર વિઝાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવી.
•    પાસપોર્ટ અને વિઝાની વધારાની ફોટોકોપી અથવા ડિજિટલ કોપી હંમેશા સાથે રાખવી.
•    જો પાસપોર્ટ ખોવાય તો વિલંબ કર્યા વગર નજીકના પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવી.
તમારી વિદેશ યાત્રા યાદગાર બને તે માટે સાવચેતી રાખવી અનિવાર્ય છે. વિયેતનામની સુંદરતા માણતા પહેલા આ કાયદાકીય પાસાઓને ધ્યાનમાં રાખવા જરૂરી છે. વધુ વિગતો માટે હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસની વેબસાઈટ ચેક કરતા રહેવું.

(5:20 PM IST)