<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

શેરબજારમાં 'ક્લાઈમેક્સ' જેવો રોમાંચ: છેલ્લી 31 મિનિટમાં ખેલાયો તેજીનો ખેલ, સેન્સેક્સ 510 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોની સંપત્તિમાં 3 લાખ કરોડનો વધારો

સવારનો ગભરાટ અને બપોરની બેચેની બાદ બજારે બતાવ્યો અસલી રંગ: નિફ્ટી 23,100ની ઐતિહાસિક સપાટી પાર, IT અને મેટલ શેરોમાં જોરદાર લેવાલીથી બજાર ગુલાબી

મુંબઈ: દલાલ સ્ટ્રીટમાં આજે કોઈ સુપરહિટ ફિલ્મ જેવો નજારો જોવા મળ્યો હતો. સવારે નબળી શરૂઆત અને બપોર સુધી ચાલેલી ભારે અફરાતફરી બાદ, ટ્રેડિંગના છેલ્લા કલાકોમાં બજારે એવી જોરદાર રિકવરી કરી કે રોકાણકારોના ચહેરા ખીલી ઉઠ્યા હતા. સેન્સેક્સ 510 પોઈન્ટના મજબૂત ઉછાળા સાથે 74,617 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 155 પોઈન્ટ વધીને 23,124ના સ્તરે પહોંચી ગયો છે. નિફ્ટીનું 23,100ની ઉપર બંધ થવું એ બજાર માટે અત્યંત પોઝિટિવ સંકેત માનવામાં આવે છે.
બજારની પળેપળની હિલચાલ: પછડાટ બાદ ઉછાળો
આજના કારોબારની શરૂઆત નબળી રહી હતી અને નિફ્ટી દિવસના નીચલા સ્તરે 22,719 સુધી સરકી ગયો હતો. રોકાણકારોમાં ગભરાટ હતો, પરંતુ 11:30 વાગ્યા પછી ધીમે-ધીમે ખરીદી શરૂ થઈ. અસલી જાદુ બપોરે 2:30 પછી જોવા મળ્યો, જ્યારે આક્રમક ખરીદીને કારણે બજાર સીધું દિવસના ઉચ્ચતમ સ્તરની નજીક પહોંચી ગયું. માત્ર અંતિમ કલાકોની તેજીએ જ રોકાણકારોની ઝોળીમાં અંદાજે 3 લાખ કરોડ રૂપિયા નાખી દીધા.
આજની તેજીના અસલી 'હીરો'
આજની તેજીનું નેતૃત્વ IT સેક્ટરે કર્યું હતું, જેમાં વિપ્રો 3% થી વધુ ઉછળ્યો હતો. તે સિવાય મેટલ શેરોમાં પણ ચમક જોવા મળી. જેપી મોર્ગન દ્વારા અપગ્રેડ કર્યા બાદ હિન્ડાલ્કો અને વેદાંતના શેરોમાં 3%નો ઉછાળો નોંધાયો હતો. હેલ્થકેર ક્ષેત્રમાં એલેમ્બિક ફાર્મા 5% અને ફોર્ટિસ હેલ્થકેર 4% વધ્યા હતા. ક્રૂડ ઓઈલના ભાવ ઘટીને $108ની નીચે આવતા તેલ કંપનીઓના શેરોમાં પણ નીચલા મથાળેથી રિકવરી જોવા મળી હતી.
 
તેજી પાછળના 3 મુખ્ય કારણો:
1.    IT સેક્ટરમાં દમદાર ખરીદી: દિગ્ગજ આઈટી કંપનીઓના શેરોમાં આવેલી લેવાલીએ ઈન્ડેક્સને મજબૂત ટેકો આપ્યો.
2.    વૈશ્વિક બજારોનો સાથ: અમેરિકી બજાર (ડાઉ ફ્યુચર્સ) અને યુરોપિયન બજારોમાં તેજીના કારણે ભારતીય રોકાણકારોનો આત્મવિશ્વાસ વધ્યો.
3.    ક્રૂડ ઓઈલમાં રાહત: આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 2%નો ઘટાડો થતા ફુગાવાનું દબાણ ઘટવાની આશા જાગી છે.
જોકે, બજારમાં સર્વત્ર તેજી નહોતી. નબળા પરિણામોને કારણે જુબિલન્ટ ફૂડવર્ક્સ 10% તૂટ્યો હતો, જ્યારે યુદ્ધની અસરને કારણે ઉડ્ડયન ક્ષેત્રના શેરો દબાણ હેઠળ રહ્યા હતા. આમ છતાં, રૂપિયામાં જોવા મળેલી મજબૂતી અને બજારની ઓવરઓલ બ્રેડ્થ જોતા આગામી દિવસોમાં પણ તેજીનો માહોલ જળવાય તેવી સંભાવના છે.

(6:40 PM IST)