<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

ઈરાન સંઘર્ષની આસમાની અસર: વિદેશ જતી ફ્લાઇટ્સના રૂટ બદલાયા : પાયલટ્સના ડ્યુટી નિયમોમાં DGCAનો મોટો ફેરફાર

મધ્ય પૂર્વના તણાવને કારણે ભારતીય વિમાનોએ લેવો પડશે લાંબો રૂટ : મુસાફરીના સમયમાં વધારા સાથે પાયલટ્સના કામના કલાકો વધ્યા : 30 એપ્રિલ સુધી નવી ગાઇડલાઇન્સ જાહેર

નવી દિલ્હી: જો તમે આગામી દિવસોમાં યુરોપ કે અમેરિકા જવાનું વિચારી રહ્યા હોવ, તો તૈયાર રહેજો કારણ કે તમારી સફર હવે વધુ લાંબી અને કદાચ મોંઘી બનવાની છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા યુદ્ધના સંઘર્ષને કારણે મધ્ય પૂર્વના અનેક દેશોએ પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. આના કારણે ભારતીય ફ્લાઇટ્સને હવે સીધા માર્ગને બદલે હજારો કિલોમીટરનો ચકરાવો લેવો પડી રહ્યો છે. આ ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિને જોતા, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ ફ્લાઇટ્સ રદ ન થાય તે હેતુથી પાયલટ્સ માટેના 'ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન' (FDTL) નિયમોમાં કામચલાઉ છૂટછાટ આપી છે.

DGCA દ્વારા કરવામાં આવેલા આ ફેરફાર મુજબ, બે પાયલટ્સ સાથેની લાંબા અંતરની ફ્લાઇટ્સ માટે ઉડાનનો સમય 10 કલાકથી વધારીને 11 કલાક 30 મિનિટ કરવામાં આવ્યો છે. તેમજ કુલ ડ્યુટીનો સમયગાળો હવે 11 કલાક 45 મિનિટ સુધી લંબાવી શકાય છે. અગાઉ, પાયલટ્સના થાક (Fatigue) ને કારણે થતા અકસ્માતો રોકવા માટે નિયમો કડક કરવામાં આવ્યા હતા, પરંતુ યુદ્ધની કટોકટીમાં એરલાઇન્સનું સંચાલન જાળવી રાખવા માટે આ જોખમી ગણાય તેવો નિર્ણય લેવો પડ્યો છે. જોકે, સરકારનો દાવો છે કે આ છૂટછાટ માત્ર 30 એપ્રિલ સુધી જ છે અને એરલાઇન્સના રોસ્ટર પર DGCA દર પખવાડિયે કડક નજર રાખશે જેથી સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ન થાય.

સામાન્ય મુસાફરો માટે આ સમાચાર ખિસ્સા હળવા કરનારા સાબિત થઈ શકે છે. રૂટ લાંબો થવાને કારણે વિમાનમાં બળતણ (Fuel) નો વપરાશ વધશે, જેનો સીધો બોજ એર ટિકિટના ભાવ પર પડી શકે છે. ખાસ કરીને લંડન, પેરિસ અને ન્યુયોર્ક જતી ફ્લાઇટ્સના સમયમાં 1 થી 2 કલાકનો વધારો જોવા મળી રહ્યો છે. જો ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ કાયમી સમાધાન નહીં થાય, તો એવિએશન સેક્ટરમાં આ અસ્થિરતા લાંબો સમય ચાલી શકે છે. અત્યારે તો મુસાફરોએ એરપોર્ટ પર ફ્લાઇટના બદલાયેલા સમયપત્રક અને વધારાના મુસાફરી સમય માટે માનસિક રીતે તૈયાર રહેવું પડશે.

(7:06 PM IST)