<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

હવે વિમાનમાં મુસાફરી સસ્તી થશે? જેટ ઇંધણને GST હેઠળ લાવવા માટે ઉડ્ડયન મંત્રાલય મેદાને, નાણા મંત્રાલયને સોંપાયો નવો પ્રસ્તાવ

ક્રૂડ ઓઇલના આસમાને પહોંચતા ભાવ વચ્ચે એરલાઇન્સ કંપનીઓને મોટી રાહત આપવાની તૈયારી: આગામી GST કાઉન્સિલની બેઠકમાં લેવાઈ શકે છે ઐતિહાસિક નિર્ણય

નવી દિલ્હી: વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના વધતા જતા ભાવોને કારણે ઉડ્ડયન ક્ષેત્ર પર આર્થિક બોજ સતત વધી રહ્યો છે. આ કટોકટી વચ્ચે ઉડ્ડયન મંત્રાલયે ફરી એકવાર 'એવિએશન ટર્બાઇન ફ્યુઅલ' (ATF) એટલે કે વિમાનના ઇંધણને GST માળખા હેઠળ લાવવા માટે નાણા મંત્રાલય પર દબાણ વધાર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 7 એપ્રિલના રોજ આ સંદર્ભે એક નવો પ્રસ્તાવ નાણા મંત્રાલયને સુપરત કરવામાં આવ્યો છે, જે એરલાઇન્સ ઉદ્યોગ માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
શા માટે આ સુધારો જરૂરી છે?
કોઈપણ એરલાઇન કંપની માટે તેનો કુલ ખર્ચનો સૌથી મોટો હિસ્સો એટલે કે અંદાજે 40% જેટલો ખર્ચ માત્ર ઇંધણ (ATF) પાછળ થાય છે. હાલમાં જેટ ઇંધણ પર વેટ (VAT) અને એક્સાઇઝ ડ્યુટી જેવા વિવિધ ટેક્સ લાગે છે, જે રાજ્ય દર રાજ્ય અલગ-અલગ હોય છે. જો ATF ને GST હેઠળ લાવવામાં આવે, તો તેના પર ટેક્સનું માળખું આખા દેશમાં સમાન થશે અને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મળવાને કારણે એરલાઇન્સના ખર્ચમાં મોટો ઘટાડો થશે. જેનો સીધો ફાયદો મુસાફરોને સસ્તી ટિકિટના રૂપમાં મળી શકે છે.
GST કાઉન્સિલની બેઠક પર સૌની નજર
નાણા મંત્રાલયના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, "ઉદ્યોગ જગત લાંબા સમયથી આ માંગ કરી રહ્યું છે. વર્તમાન ભૌગોલિક-રાજકીય તણાવ (જીઓપોલિટિકલ ટેન્શન) ને કારણે જે રીતે ક્રૂડના ભાવ વધ્યા છે, તે જોતા આ મુદ્દો આગામી GST કાઉન્સિલની બેઠકમાં ટોચની અગ્રતા પર રહી શકે છે." જો GST કાઉન્સિલ આ પ્રસ્તાવને લીલી ઝંડી આપી દેશે, તો તે ઉડ્ડયન ક્ષેત્ર માટે એક મોટો માળખાકીય સુધારો ગણાશે.
એરલાઇન્સ માટે અસ્તિત્વનો સવાલ
છેલ્લા કેટલાક સમયથી ઈરાન-ઈઝરાયલ સંઘર્ષને કારણે તેલના ભાવમાં અસ્થિરતા આવી છે. આવી સ્થિતિમાં, ભારતીય એરલાઇન્સને સ્પર્ધામાં ટકી રહેવા માટે ટેક્સમાં રાહત મળવી અનિવાર્ય બની ગઈ છે. એવિએશન એક્સપર્ટ્સ માને છે કે જો ટેક્સ તર્કસંગત બનશે, તો ભારતનું ઉડ્ડયન બજાર વધુ મજબૂત બનશે અને નવા રૂટ્સ પર ફ્લાઈટ્સ શરૂ કરવી સરળ થશે.

(8:32 PM IST)