<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

યુપીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: શિલાન્યાસ વિધિમાં ભાજપ અને સપાના મહિલા ધારાસભ્યો બાખડ્યા, 'પૂજામાં કોણ બેસશે' મુદ્દે અધિકારીઓ સામે જ શરૂ થઈ ગરમાગરમી

ફતેહપુરમાં રસ્તાના લોકાર્પણ વખતે કૃષ્ણા પાસવાન અને ઉષા મૌર્ય વચ્ચે જંગ: અધિકારીઓ હાથ જોડીને જોતા રહ્યા, અપમાનિત થયેલા સપાના ધારાસભ્ય કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા

ફતેહપુર: ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં મંગળવારે એક સરકારી કાર્યક્રમ અખાડામાં ફેરવાઈ ગયો હતો. ખાગા-નૌબસ્તા રોડના શિલાન્યાસ સમારોહમાં ભાજપના ધારાસભ્ય કૃષ્ણા પાસવાન અને સપાના ધારાસભ્ય ઉષા મૌર્ય વચ્ચે પૂજામાં બેસવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે રસ્તાનું નિર્માણ થવાનું છે તેનો અડધો ભાગ બંને ધારાસભ્યોના મતવિસ્તારમાં આવતો હોવાથી PWD અધિકારીઓએ બંનેને આમંત્રણ આપ્યું હતું, પરંતુ શ્રેય લેવાની હોડમાં ભક્તિને બદલે શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું.
'પૂજામાં તો હું જ એકલી બેસીશ'
જ્યારે પૂજા શરૂ થઈ ત્યારે ભાજપના ધારાસભ્ય કૃષ્ણા પાસવાને યજમાન તરીકે બેસવાનો આગ્રહ રાખ્યો અને સપાના ધારાસભ્ય ઉષા મૌર્યને સાથે બેસવા દેવાનો ઈનકાર કરી દીધો. કૃષ્ણા પાસવાનનું કહેવું હતું કે આ રસ્તો તેમના પ્રસ્તાવથી મંજૂર થયો છે અને પૂજા તેમના વિસ્તારમાં થઈ રહી છે. આ સાંભળીને ઉષા મૌર્ય લાલઘૂમ થઈ ગયા હતા. તેમણે અધિકારીઓને ખરું-ખોટું સંભળાવતા કહ્યું કે, "શું તમે મને અહીં મારું અપમાન કરવા બોલાવી છે?" આ દ્રશ્ય જોઈને બિચારા અધિકારીઓ ફફડી ગયા હતા અને હાથ જોડીને બંનેને શાંત પાડવા વિનંતી કરતા રહ્યા હતા, પણ અંતે ઉષા મૌર્ય પૂજા અધવચ્ચે છોડીને ચાલ્યા ગયા હતા.

(8:38 PM IST)