News of Tuesday, 7th April 2026
"સિકંદર આવ્યા ને મોંગોલો ગયા, આ પાગલ શું કરી લેશે?": ટ્રમ્પની વિનાશક ધમકી સામે ઈરાનનો વળતો પ્રહાર
ટ્રમ્પે ઈરાની સભ્યતાને નકશા પરથી ભૂંસી નાખવાની અલ્ટીમેટમ આપતા મધ્ય પૂર્વમાં યુદ્ધના નગારા વાગ્યા:ખાર્ગ ટાપુ પર અમેરિકી મિસાઈલ હુમલા બાદ ઈરાની દૂતાવાસે ઈતિહાસના પાના ટાંકીને આપ્યો સણસણતો જવાબ

તેહરાન:વિશ્વ અત્યારે ત્રીજા વિશ્વયુદ્ધની ઉંબરે આવીને ઊભું હોય તેવો માહોલ સર્જાયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક અત્યંત ભયાનક પોસ્ટ મૂકીને જાહેરાત કરી છે કે, "આજે રાત્રે એક આખી સભ્યતાનો અંત આવશે, જે ક્યારેય પુનઃસ્થાપિત નહીં થાય." ટ્રમ્પની આ ધમકી ઈરાન માટે સીધો ડેથ વોરંટ સમાન માનવામાં આવી રહી છે. ઈરાનમાં 47 વર્ષના કથિત અત્યાચાર અને ભ્રષ્ટાચારને ખતમ કરવાના બહાને ટ્રમ્પે ઈરાનના લોકો માટે 'મુક્તિ'નો રાગ આલાપ્યો છે, પરંતુ તેમની ભાષામાં છુપાયેલો વિનાશક સંકેત સમગ્ર વિશ્વના અર્થતંત્ર અને શાંતિને હચમચાવી રહ્યો છે.
ટ્રમ્પની આ 'પાગલપન' ભરી ધમકીનો જવાબ ઈરાને પણ એટલી જ આક્રમક શૈલીમાં આપ્યો છે. તુર્કીમાં આવેલા ઈરાની દૂતાવાસે એક ઐતિહાસિક પોસ્ટ શેર કરતા લખ્યું કે, "સિકંદર (એલેક્ઝાન્ડર) આવ્યો અને તેણે ઈરાનને બાળ્યું, મોંગોલો આવ્યા અને તેમણે નાશ કર્યો. ઈતિહાસે વારંવાર અમારી કસોટી કરી છે, પણ ઈરાન આજે પણ અડીખમ ઊભું છે. જે વિનાશ સમય પણ નથી કરી શક્યો, તે એક પાગલની ધમકી શું કરી લેશે?" ઈરાનનો આ પડકાર સ્પષ્ટ કરે છે કે તેઓ અમેરિકા સામે ઘૂંટણ ટેકવવાને બદલે આરપારની લડાઈ માટે તૈયાર છે. આ નિવેદનબાજીએ બંને દેશો વચ્ચેના સંબંધોને એવા વળાંક પર લાવી દીધા છે જ્યાંથી પાછા વળવું હવે લગભગ અશક્ય જણાય છે.
શબ્દોની આ જંગ હવે મેદાન-એ-જંગમાં ફેરવાઈ ચૂકી છે. ટ્રમ્પનું 48 કલાકનું અલ્ટીમેટમ પૂર્ણ થાય તે પહેલા જ અમેરિકાએ ઈરાનના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના 'ખાર્ગ ટાપુ' પર મિસાઈલ હુમલા શરૂ કરી દીધા છે. આ ટાપુ ઈરાન માટે આર્થિક કરોડરજ્જુ સમાન છે, કારણ કે દેશની 90% તેલ નિકાસ અહીંથી જ થાય છે. પર્સિયન ગલ્ફમાં થયેલા આ વિસ્ફોટોના પડઘા અત્યારે આખા વિશ્વમાં સંભળાઈ રહ્યા છે. જો આજે રાત્રે ટ્રમ્પ પોતાના શબ્દો મુજબ 'સભ્યતાનો અંત' લાવવા માટે કોઈ મોટો હુમલો કરે છે, તો તેની અસરમાંથી ભારત સહિતનો કોઈ પણ દેશ બાકાત નહીં રહે.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
