તા. ૨૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૪ ગુરૂવાર
ઓનલાઈન શોપિંગનો ‘બિગ બેંગ’: 2030 સુધીમાં ભારતનું ઈ-કોમર્સ માર્કેટ ₹21 લાખ કરોડને આંબી જશે
Gen Z અને ક્વિક કોમર્સના સુનામીમાં બદલાશે ભારતની શોપિંગ સ્ટાઈલ: 10 મિનિટમાં ડિલિવરી અને AI દ્વારા સંચાલિત પર્સનલ શોપિંગ અનુભવ બનશે નવો નોર્મલ

બેંગલુરુ: ભારતીય રિટેલ જગતમાં એક વિશાળ પરિવર્તન દસ્તક દઈ રહ્યું છે. Google અને Deloitte ના તાજેતરના સંયુક્ત અહેવાલ 'ધ USD 250 બિલિયન કોમર્સ ફ્રન્ટીયર' મુજબ, ભારતનું ઈ-કોમર્સ માર્કેટ 2030 સુધીમાં વર્તમાન $90 બિલિયનથી વધીને $250 બિલિયન (અંદાજે ₹21 લાખ કરોડ) સુધી પહોંચી જશે. આ વૃદ્ધિ પાછળનું મુખ્ય એન્જિન 'Gen Z ગ્રાહકો છે, જેઓ ડિજિટલ-ફર્સ્ટ લાઈફસ્ટાઈલ જીવે છે. અહેવાલ મુજબ, આગામી દાયકાના અંત સુધીમાં 150 મિલિયન નવા ખરીદદારો આ ડિજિટલ અર્થતંત્રમાં જોડાશે, જેમાં 220 મિલિયન Gen Z ગ્રાહકો કુલ ઓનલાઈન ખર્ચના 45 ટકા હિસ્સા પર પોતાનું વર્ચસ્વ જમાવશે.
આ ક્રાંતિમાં સૌથી મોટો ઉછાળો 'ક્વિક કોમર્સ' ક્ષેત્રમાં જોવા મળશે. જે સુવિધા અત્યારે માત્ર મેટ્રો શહેરો પૂરતી મર્યાદિત છે, તે 2030 સુધીમાં $50 બિલિયનનું વિશાળ માર્કેટ બની જશે. રસપ્રદ વાત એ છે કે, હવે માત્ર દૂધ કે બ્રેડ જ નહીં, પણ ફેશન, ઇલેક્ટ્રોનિક્સ અને બ્યુટી પ્રોડક્ટ્સ પણ 10-20 મિનિટમાં તમારા ઘરના દરવાજે હશે. ક્વિક કોમર્સમાં બિન-ખાદ્ય શ્રેણીઓનો હિસ્સો વધીને 45 ટકા થઈ જશે, જે ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં પણ શોપિંગની વ્યાખ્યા બદલી નાખશે. આ સાથે જ 'લાઈવ કોમર્સ' અને સોશિયલ મીડિયા સર્જકો નો પ્રભાવ પણ વધશે, જ્યાં દર 10 માંથી એક ખરીદી સીધી ઈન્ફ્લુએન્સરના સ્ટોરફ્રન્ટ પરથી થશે.
કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે AI આ આખા ઈકોસિસ્ટમમાં 'બળ ગુણક' તરીકે કામ કરશે. નિષ્ણાતોના મતે, AI ના ઉપયોગથી રિટેલર્સના નફામાં 30-35 ટકાનો વધારો થઈ શકે છે, કારણ કે તે ગ્રાહકોને અત્યંત વ્યક્તિગત અને રોમાંચક ખરીદીનો અનુભવ પૂરો પાડશે. ભવિષ્યમાં ગ્રાહકોએ વસ્તુઓ શોધવી નહીં પડે, પરંતુ અલ્ગોરિધમ તેમની જરૂરિયાતો સમજીને સામેથી ઉકેલો રજૂ કરશે. ગૂગલ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રોમા દત્તા ચોબેએ આને ભારતીય વાણિજ્ય માટે એક 'વળાંક' ગણાવ્યો છે, જ્યાં ગતિ, પ્રામાણિકતા અને ટેકનોલોજીનો સુમેળ નવી આર્થિક તકોના દ્વાર ખોલશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
