News of Wednesday, 8th April 2026
ચીનના સમજાવવાથી ઈરાન વાટાઘાટો માટે તૈયાર થયું: યુરેનિયમનો મુદ્દો પણ ઉકેલાશે: ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો: ઈરાન સાથે બે સપ્તાહના યુદ્ધવિરામન પગલે અમેરિકાની સંપૂર્ણ જીત થઈ હોવાનો અમેરિકી પ્રમુખનો દાવો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના બે સપ્તાહના યુદ્ધવિરામની જાહેરાત બાદ જણાવ્યું છે કે આ યુદ્ધમાં અમેરિકાએ ૧૦૦ ટકા અને સંપૂર્ણ વિજય મેળવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે મંગળવારની સમયમર્યાદા નજીક આવતા ચીને ઈરાનને સમજાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, જેના કારણે ઈરાન સમાધાન માટે રાજી થયું છે.
એએફપી સાથેની એક સંક્ષિપ્ત ટેલિફોનિક વાતચીત દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે ઈરાન યુદ્ધમાં અમેરિકાની શાનદાર જીત થઈ છે. તેમણે કહ્યું કે, આ સંપૂર્ણ અને ૧૦૦ ટકા વિજય છે અને તેમાં કોઈ જ શંકા નથી. મંગળવારે યુદ્ધવિરામની જાહેરાત થયાના થોડા સમય બાદ જ તેમણે આ નિવેદન આપ્યું હતું.
ટ્રમ્પે વધુમાં ઉમેર્યું હતું કે તેમને પૂરો વિશ્વાસ છે કે ચીને મધ્યસ્થી તરીકે કામ કર્યું છે અને ઈરાનને વાટાઘાટો માટે તૈયાર કરવામાં મદદ કરી છે. મંગળવારની આખરી સમયમર્યાદા પૂરી થવા પહેલા જ ચીને ઈરાનને સમજાવ્યું હોવાનું મનાય છે. આ બે સપ્તાહના યુદ્ધવિરામ દરમિયાન બંને દેશો લાંબા ગાળાની શાંતિ અંગેની સમજૂતીને આખરી ઓપ આપશે.
આ ઉપરાંત, ઈરાનના ઉચ્ચ ગુણવત્તાવાળા સંવર્ધિત યુરેનિયમના ભંડાર અંગે પણ ટ્રમ્પે ખાતરી આપી હતી કે આ મુદ્દાનો સંપૂર્ણપણે ઉકેલ લાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે જો યુરેનિયમના ભંડારનો યોગ્ય નિકાલ ન થવાનો હોત તો તેમણે આ યુદ્ધવિરામ માટે સંમતિ જ આપી ન હોત.
ઈરાને અમેરિકાને એક ૧૦-મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો છે, જેને ટ્રમ્પે વાટાઘાટો માટેનો યોગ્ય અને કામ લાગે તેવો આધાર ગણાવ્યો છે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
