<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

ગુજરાતીઓએ ફરવાનું માંડી વાળ્‍યું: ટૂર ઓપરેટરોને અંદાજે ૫૦૦ કરોડનું આર્થિક નુકસાન

વેકેશન પર યુદ્ધનું ગ્રહણઃ ટ્રાવેલ્‍સ એજન્‍ટોએ દુબઈમાં હોટલ-રિસોર્ટમાં એડવાન્‍સ પેટે આપેલા લાખો કરોડો રૂપિયા પણ હાલ પૂરતા સલવાયા છે : બુકિંગ કેન્‍સલેશન વધતા ટુર ઓપરેટરોની મુશ્‍કેલી વધીઃ યુરોપ ટુર પેકેજોના ભાવમાં ૧૦% સુધીનો તોતિંગ વધારોઃ ડોમેસ્‍ટિક ટુર પેકેજોમાં પણ ૨૦-૨૫% બુકિંગ ઓછું

મુંબઈ,તા.૦૮: ઈઝરાયલ-અમેરિકા, ઈરાન વચ્‍ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. જેના લીધે ગુજરાતના ટુર ઓપરેટરો આર્થિક રીતે ઘાયલ થયા છે. ખાડી દેશોમાં યુદ્ધને લીધે દુબઈ, તૂર્કીયે, ઓમાન ટુર તો હાલ બંધ છે. ઉનાળુ વેકેશનમાં દુબઈમાં ટુરિસ્‍ટોનું વધુ બુકિગ થશે તેવી ધારણા ખોટી પડી છે. એટલું જ નહીં, ટ્રાવેલ્‍સ એજન્‍ટોએ દુબઈમાં હોટલ-રિસોર્ટમાં એડવાન્‍સ પેટે આપેલા લાખો કરોડો રૂપિયા પણ હાલ પૂરતા ભરાયા છે. ટુર ઓપરેટરોના મતે, યુદ્ધને લીધે ટુરિસ્‍ટોએ ફરવાનું માંડી વાળ્‍યું છે. જેના લીધે ટુર ઓપરેટરોને અંદાજે Rs. 500 કરોડથી વધુનું આર્થિક નુકસાન થયું છે.

દુબઈ ગુજરાતી પ્રવાસીઓનું હોટ ફેવરીટ ડેસ્‍ટિનેશન બની રહ્યું છે ત્‍યારે ગુજરાતના કેટલાય ટુર ઓપરેટરોએ ખાસ ડિસ્‍કાઉન્‍ટ આપીને દુબઈ ટુર પેકેજોમાં બુકિગ કર્યું હતું. પણ યુદ્ધને લીધે આખુંય ચિત્ર બદલાયું છે. ઈરાને દુબઈ પર પણ હુમલા કર્યા છે આ જોતાં ગુજરાતી પ્રવાસીઓમાં ગભરાટનો માહોલ છે. ટુર ઓપરેટરોનું કહેવું છે કે, હાલ દુબઈ, તૂર્કીયે અને ઓમાનના ટુર પેકેજોના બધાય બુકિગ કેન્‍સલ થયા છે. હવે ટુરિસ્‍ટોએ ફરવા માટે સિંગાપુર, બાલી, વિયેતનામ, મલેશિયા જેવા દેશો પર પસંદગી ઉતારી છે.

મહત્ત્વની વાત તો એ છે કે, યુદ્ધ વધુ ભીષણ બન્‍યું છે ત્‍યારે યુરોપ સહિત અન્‍ય દેશોની ફલાઈટ મિડલ ઈસ્‍ટ થઈને જતી હતી. હવે એતિહાદ, કતાર અને એમિરેટ્‍સ ફલાઈટ્‍સના શિડ્‍યુલ બદલાયા છે. સાથે ફલાઈટની સંખ્‍યા પણ ઓછી થઈ છે. આ જોતાં હવે યુરોપ સહિત અન્‍ય દેશોમાં ફરવાનું મોંઘું થયું છે. તેમજ યુરોપ-અન્‍ય ટુર પેકેજોના ભાવમાં ૧૦% સુધીનો વધારો કરી દેવાયો છે. યુરોપ ટુર પેકેજનો ભાવ રૂ.૩ લાખ હતો જે વધીને રૂ.૩.૨૫ લાખ થયો છે. સિગાપુરની ટુરના ભાવ રૂ.૧.૧૫ લાખ હતા જે વધીને રૂ.૧.૩૦ સુધી પહોંચ્‍યો છે. વિવિધ દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્‍યા છે જેના કારણે સાઈટસીન મોંઘું થયું છે.

યુદ્ધને લીધે વૈશ્વિક પરિસ્‍થિતિ વધુ ચિતાજનક બની છે ત્‍યારે ઘણાં પ્રવાસીઓએ વિદેશ પ્રવાસે જવાનું જ માંડી વાળ્‍યું છે જેના લીધે ટુર પેકેજોના બુકિગ રદ થયા છે. એટલું જ નહીં, ટ્રાવેલ્‍સ એજન્‍ટોની ઓફિસે ટુર ઇન્‍ક્‍વાયરી ઘટી ગઈ છે. હવે તો ટુર ઓપરેટરો યુદ્ધની સ્‍થિતિ થાળે પડે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જો આ જ સ્‍થિતિ રહી તો, હજુ વધુ નુકસાન વ્‍હોરવાનો વારો આવશે.

ઉનાળુ વેકેશન ટુ ઓપરેટરો માટે કમાણીની સીઝન હોય છે પણ આ વખતે યુદ્ધને પગલે ટુરિસ્‍ટોમાં ભયનો માહોલ છે. આમ છતાં રજાની મોજ માણવા માટે ઘણાં પ્રવાસીઓ ઉત્‍સુક છે. ટુર ઓપરેટરોનું કહેવું છે કે, કેરલા, કાશ્‍મીર, સિક્કીમ, રાજસ્‍થાન ગુજરાતી પ્રવાસીઓમાં ટોપ પર છે. આ વખતે લોકોએ ગ્રુપ બુકિગ કરાવી ફરવા જવાનું મન બનાવ્‍યું છે. વિદેશ પ્રવાસે જવા કરતાં સ્‍થાનિકમાં જ વેકેશન માણવાનો ટ્રેન્‍ડ રહ્યો છે તેમ છતાં ડોમેસ્‍ટિક ટુર પેકેજોમાં પણ ૨૦-૨૨% ઓછું બુકિગ થયું છે. ટૂંકમાં, યુદ્ધને લીધે ટુર ઓપરેટરોની ઉનાળુ વેકેશનની સીઝન માથે પડે તેમ છે.

યુધ્‍ધને લીધે યુરોપ સહિત અન્‍ય વિદેશી ટુર પેકેજો મોંઘા બન્‍યા

      ટુર         અગાઉ પેકેજના દર          હાલ પેકેજના દર

યુરોપ ટુર  રૂ.૩,૦૦,૦૦૦        રૂ.૩,૨૫,૦૦૦

સિગાપુર   રૂ.૧,૧૫,૦૦૦        રૂ.૧,૨૫,૦૦૦

મલેશિયા   રૂ.૧,૧૦,૦૦૦        રૂ.૧,૨૫,૦૦૦

થાઇલેન્‍ડ   રૂ.૧,૧૫,૦૦૦        રૂ.૧,૨૫,૦૦૦

બાલી      રૂ.૭૦,૦૦૦           રૂ.૮૫,૦૦૦

ફુકેટ-ક્રાબી      રૂ.૫૫,૦૦૦-૬૦,૦૦૦   રૂ.૬૫,૦૦૦-૭૦,૦૦૦

(10:17 AM IST)