તા. ૧૩ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૧ શુક્રવાર
આસામ, કેરળ - પુડુચેરી ચૂંટણીઃ કાલે મતદાનઃ ચોથી મેના રોજ પરિણામ
આસામની ૧૨૬ બેઠકો, કેરળની ૧૪૦ બેઠકો અને પુડુચેરીની ૩૦ બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન

તિરુવનંતપુરમ/ગુવાહાટી તા.૮: દેશના બે રાજ્યો અસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી વિધાનસભા ચૂંટણી માટેના પ્રચાર પડઘમ શાંત પડ્યા છે. અસામની ૧૨૬ બેઠકો, કેરળની ૧૪૦ બેઠકો અને પુડુચેરીની ૩૦ બેઠકો માટે ૯મી એપ્રિલને ગુરુવારે એક જ તબક્કામાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. આ ત્રણેયની વિધાનસભા ચૂંટણી માટે ૯ એપ્રિલના રોજ એક જ તબક્કામાં મતદાન થશે અને ત્યારબાદ ચોથી મેના રોજ ચૂંટણી પરિણામો જાહેર કરાશે.
અસામમાં કુલ ૨.૫ કરોડ મતદારો છે, જેમાં ૧.૨૫ કરોડ પુરુષો, ૧.૨૫ કરોડ મહિલાઓ અને ૩૪૩ થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે, ૧૮-૧૯ વર્ષની વયના ૫.૭૫ લાખ યુવાનો પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યની ૧૨૬ બેઠકો માટે કુલ ૭૨૨ ઉમેદવારો મેદાનમાં છે, જ્યાં બહુમતીનો આંકડો ૬૪ છે. અસામની ૧૫મી વિધાનસભાનો કાર્યકાળ ૨૦ મે ૨૦૨૬ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે.
કેરળમાં ૧૪૦ બેઠકો પર ૮૯૦ ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. સરકાર બનાવવા માટે ૭૧ બેઠકોની બહુમતી જરૂરી છે. રાજ્યમાં કુલ ૨.૭૧ કરોડ મતદારો છે, જેમાં મહિલા મતદારોની સંખ્યા (૧.૩૯ કરોડ) પુરુષો (૧.૩૨ કરોડ) કરતા વધુ છે. બીજી તરફ, પુડુચેરીની ૩૦ બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે, જેમાંથી પાંચ બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે. અહીં ૧૬ બેઠકોની બહુમતી સાથે સરકાર રચાશે. પુડુચેરીમાં ૯.૪૪ લાખ મતદારો નોંધાયેલા છે.
ચૂંટણીની આદર્શ આચાર સંહિતા અન્વયે ૭ એપ્રિલના રોજ સાંજે ૬ વાગ્યે તમામ પ્રકારના જાહેર પ્રચાર પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. લોકપ્રતિનિધિત્વ કાયદો, ૧૯૫૧ની કલમ ૧૨૬ હેઠળ, મતદાનના અંતિમ ૪૮ કલાક દરમિયાન જાહેર સભાઓ, રેલીઓ કે સરઘસ કાઢવા પર સખત મનાઈ છે. આ સમયગાળા દરમિયાન ટીવી, સિનેમા, રેડિયો કે સોશિયલ મીડિયા જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા પણ ચૂંટણીલક્ષી પ્રચાર કરી શકાશે નહીં. સંગીત શો, નાટકો કે અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા મતદારોને પ્રભાવિત કરવા પર પણ રોક લગાવવામાં આવી છે, જેથી મતદારો કોઈપણ દબાણ વગર શાંતિપૂર્ણ રીતે પોતાનો નિર્ણય લઈ શકે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
