News of Wednesday, 8th April 2026
અમેરિકામાં વસતા ભારતીયોની બલ્લે-બલ્લે: લોસ એન્જલસમાં ભારતીય કોન્સ્યુલેટે વિઝા અને OCI સેવાઓનો કર્યો ધડાકો, હવે સાન ફ્રાન્સિસ્કો સુધી લાંબા નહીં થવું પડે!
દક્ષિણ કેલિફોર્નિયા, એરિઝોના, નેવાડા અને ન્યૂ મેક્સિકોના લાખો અરજદારોને મળશે સીધો ફાયદો: 6 એપ્રિલથી નવી વ્યવસ્થા અમલી

લોસ એન્જલસ, તા. 8: અમેરિકાના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં રહેતા ભારતીય સમુદાય માટે આનંદના સમાચાર છે. લોસ એન્જલસ (LA) સ્થિત ભારતના નવા કોન્સ્યુલેટ જનરલે 6 એપ્રિલ, 2026 થી વિઝા અને ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઈન્ડિયા (OCI) સેવાઓ સત્તાવાર રીતે શરૂ કરી દીધી છે. અત્યાર સુધી આ પ્રદેશના લોકોને નાની એવી ભૂલ કે દસ્તાવેજો માટે સેંકડો માઈલ દૂર સાન ફ્રાન્સિસ્કો સુધી દોડવું પડતું હતું, જેમાંથી હવે કાયમી મુક્તિ મળશે.
કોને-કોને મળશે આ સેવાનો લાભ?
નવી જાહેરાત મુજબ, દક્ષિણ કેલિફોર્નિયા, એરિઝોના, નેવાડા અને ન્યૂ મેક્સિકોમાં રહેતા અરજદારો હવે લોસ એન્જલસ સ્થિત કોન્સ્યુલેટના અધિકારક્ષેત્રમાં આવશે. જોકે, મિશને સ્પષ્ટ કર્યું છે કે પાસપોર્ટ રિન્યુઅલ, ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામ (GEP), પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (PCC) અને સરેન્ડર સર્ટિફિકેટ માટેની અરજીઓ હજુ પણ સાન ફ્રાન્સિસ્કો કોન્સ્યુલેટ દ્વારા જ પ્રોસેસ કરવામાં આવશે.
અરજી કરવાની પ્રક્રિયા અને VFS સેન્ટર
આ ચાર રાજ્યોના રહીશોએ તેમની વિઝા અને OCI અરજીઓ VFS ગ્લોબલના લોસ એન્જલસ સેન્ટર પર સબમિટ કરવાની રહેશે. જે લોકો રેગ્યુલર વિઝા મેળવવા માંગતા હોય તેમણે ભારત સરકારના સત્તાવાર પોર્ટલ પર અરજી કરવાની રહેશે, જ્યારે ઇ-વિઝાની સુવિધા પહેલાની જેમ જ ઓનલાઇન ઉપલબ્ધ રહેશે.
નવું OCI પોર્ટલ બનાવશે કામ આસાન
સેવાઓના વિસ્તરણ સાથે એક નવું OCI પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા દસ્તાવેજો અપલોડ કરવા, ફીની ચુકવણી કરવી અને એપ્લિકેશનને રિયલ ટાઈમ ટ્રેક કરવી ખૂબ જ સરળ બની જશે. 2025ના અંતમાં VFS સેન્ટરના ઉદઘાટન બાદ હવે ફુલ-ફ્લેજ્ડ કોન્સ્યુલર સેવાઓ શરૂ થતા ભારતીય ડાયસ્પોરામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પગલાથી માત્ર સમયની બચત જ નહીં થાય, પરંતુ ઈમિગ્રેશન અને વિઝા સંબંધિત પ્રક્રિયાઓ વધુ ઝડપી અને પારદર્શક બનશે. લોસ એન્જલસમાં ભારતીય મિશનનું આ વિસ્તરણ યુએસ-ભારત સંબંધો અને નાગરિકોની સુવિધા માટે એક મહત્વનું સીમાચિહ્ન છે.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
