News of Wednesday, 8th April 2026
ચોરાયેલી બાઈકનો મેમો ઘરે આવ્યો! હૈદરાબાદના યુવકની બાઈક ચોર્યા પછી ચોર બિન્દાસ્ત રસ્તા પર રખડતો દેખાયો, ઈ-ચલણના ફોટાએ પોલીસની ઊંઘ ઉડાડી
ક્રાઈમ ડેટાબેઝ અને ટ્રાફિક સિસ્ટમ વચ્ચેના તાલમેલનો અભાવ છતો થયો: ત્રણ મહિના પહેલા નોંધાયેલી ફરિયાદ છતાં પોલીસ જે ચોરને ન પકડી શકી, તેને ટ્રાફિક કેમેરાએ ઝડપી પાડ્યો

હૈદરાબાદ : કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો સાવધ હોય, તે કોઈને કોઈ ભૂલ તો કરે જ છે. હૈદરાબાદમાં રહેતા ફૈઝલ રહેમાન સાથે પણ કંઈક આવું જ બન્યું. ત્રણ મહિના પહેલા ફૈઝલની મોટરસાયકલ ચોરાઈ ગઈ હતી, જેની તેણે હબીબ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ નોંધાવી હતી. પોલીસ આટલા સમયમાં બાઈક શોધી શકી નહોતી, પરંતુ અચાનક ફૈઝલના મોબાઈલ પર એક ઈ-ચલણનો મેસેજ આવ્યો અને તેણે જોયું તો ચોર તેની જ બાઈક પર બિન્દાસ્ત ફરી રહ્યો હતો.
સીસીટીવીમાં કેદ થયો ચોરનો ચહેરો
ટ્રાફિક ઉલ્લંઘન બદલ જનરેટ થયેલા આ ઓટોમેટેડ ચલણમાં બાઈક સવારનો ચહેરો એકદમ સ્પષ્ટ દેખાતો હતો. ફૈઝલે તરત જ આ ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર શેર કર્યો અને હૈદરાબાદ ટ્રાફિક પોલીસને ટેગ કરીને સવાલ કર્યો કે, જે પુરાવા ટ્રાફિક કેમેરા પાસે છે તેનો ઉપયોગ પોલીસ ચોરને પકડવા માટે કેમ નથી કરી રહી? આ પોસ્ટ વાયરલ થતા જ નેટીઝન્સે પણ પોલીસની ઢીલી કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે.
ટેકનોલોજી છે પણ તાલમેલ નથી
આ ઘટનાએ ભારતની ડિજિટલ અમલીકરણ સિસ્ટમની મોટી ખામી સામે લાવી છે. નિષ્ણાતોના મતે, પોલીસનો ગુનાહિત ડેટાબેઝ અને ટ્રાફિક મોનિટરિંગ પ્લેટફોર્મ એકબીજા સાથે જોડાયેલા નથી. આથી, જ્યારે કોઈ વાહન ચોરાયેલું હોય અને તે ટ્રાફિક નિયમ તોડે, ત્યારે સિસ્ટમ તેને 'ચોરાયેલું વાહન' તરીકે ઓળખી શકતી નથી અને જૂના માલિકને જ દંડ ફટકારવાનું ચાલુ રાખે છે. સહારનપુર અને ભુવનેશ્વરમાં પણ આવા જ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.
AI કેમેરા બની શકે છે મદદરૂપ
જોકે, ભુવનેશ્વરમાં એક કિસ્સામાં એઆઈ (AI) સક્ષમ કેમેરાની મદદથી ચોરાયેલું સ્કૂટર પાછું મેળવવામાં સફળતા મળી હતી. ત્યાંના માલિકે ચલણનો ફોટો પોલીસને આપ્યો અને પોલીસે લોકેશન ટ્રેસ કરીને ચોરની ધરપકડ કરી હતી. હવે હૈદરાબાદના ફૈઝલને પણ આશા છે કે તેના ઈ-ચલણમાં દેખાતો આ ચહેરો તેને તેની બાઈક પાછી અપાવવામાં મદદરૂપ થશે.
હાલ તો આ કિસ્સો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો માંગ કરી રહ્યા છે કે પોલીસ અને ટ્રાફિક વિભાગના ડેટાબેઝને એક કરવામાં આવે જેથી ગુનેગારોને પકડવા સરળ બને.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
