News of Wednesday, 8th April 2026
ટ્રમ્પના એ બે 'સિક્રેટ' ફોન કોલ્સ: મધ્યરાત્રિએ ખેલાઈ એવી રમત કે દુનિયા જોતી રહી ગઈ!
અમેરિકા-ઈરાન યુદ્ધ અટકાવવા પાકિસ્તાને અજમાવી 'ખુશામતની ડિપ્લોમસી' : મુનીર અને નેતન્યાહૂને ફોન કર્યા બાદ ટ્રમ્પે પાકિસ્તાનને બનાવ્યું શાંતિનું સેન્ટર

નવી દિલ્હી: જ્યારે દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધની અણી પર હતી અને ઈરાન-ઇઝરાયલના સંઘર્ષમાં ૧૨ દેશો હોમાઈ રહ્યા હતા, ત્યારે મંગળવારે મોડી રાત્રે વ્હાઇટ હાઉસમાંથી થયેલા બે ફોન કોલ્સે આખા વિશ્વનો નકશો બદલી નાખ્યો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યરાત્રિએ પહેલો ફોન ઇઝરાયલી પીએમ નેતન્યાહૂને અને બીજો ફોન પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને કર્યો હતો. આ બે ફોન કોલ્સ બાદ અચાનક યુદ્ધવિરામની જાહેરાત થઈ અને છ અઠવાડિયાથી ચાલી રહેલી લોહિયાળ જંગનો અંત આવ્યો. પાકિસ્તાને આ સંઘર્ષમાં જે રીતે 'શાંતિ દૂત'ની ભૂમિકા ભજવી છે, તેણે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોને પણ વિચારતા કરી દીધા છે.
આ યુદ્ધવિરામ પાછળ પાકિસ્તાનની "વિદેશ નીતિ તરીકે ખુશામત" (Flattery as Foreign Policy) કામ કરી ગઈ છે. પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ મુનીરે ટ્રમ્પને "વિશ્વ શાંતિના મસીહા" કહીને તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવાની જે રમત રમી, તેનાથી ટ્રમ્પનો વિશ્વાસ જીતવામાં તેઓ સફળ રહ્યા. ટ્રમ્પે જનરલ મુનીરને વ્હાઇટ હાઉસમાં "મહાન યોદ્ધા" કહીને જે સન્માન આપ્યું હતું, તે સંબંધો આજે મધ્યસ્થી તરીકે કામમાં આવ્યા. પાકિસ્તાને હવે આ શાંતિ વાટાઘાટોને કાયમી બનાવવા માટે "ઇસ્લામાબાદ ટોક્સ"નો પ્રસ્તાવ મૂક્યો છે, જે તેનો વૈશ્વિક સ્તરે ખોવાયેલો પ્રભાવ પાછો મેળવવાનો માસ્ટરસ્ટ્રોક મનાય છે.
જોકે, આ શાંતિ પાછળ પાકિસ્તાનનો પોતાનો સ્વાર્થ પણ છુપાયેલો હતો. આર્થિક કટોકટીમાં ડૂબેલા પાકિસ્તાન માટે તેલના વધતા ભાવ અને મધ્ય પૂર્વમાં રહેતા લાખો મજૂરોની સલામતી જોખમમાં હતી. તેલના ભાવમાં થયેલો ઘટાડો પાકિસ્તાન માટે સંજીવની સમાન છે. બીજી તરફ, ભારતના પૂર્વ હાઈ કમિશનર અજય બિસારિયાએ પણ આ ભૂમિકાની પ્રશંસા કરી છે, કારણ કે યુદ્ધ અટકવાથી ભારત સહિત સમગ્ર વિશ્વને ઉર્જા સંકટમાંથી રાહત મળી છે. પડદા પાછળ ચીનની ભૂમિકા હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી, કારણ કે ચીન ઈરાનનું મોટું ભાગીદાર છે અને યુદ્ધ તેના વેપાર માટે પણ નુકસાનકારક હતું.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
