<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

પાકિસ્તાની શેરબજારમાં 'બ્લાસ્ટ': ઈતિહાસનો સૌથી મોટો 12,000 પોઈન્ટનો ઉછાળો

અમેરિકા-ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામ અને હોર્મુઝ સ્ટ્રેટ ખુલવાના સમાચારથી રોકાણકારો માલામાલ : વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં 13%નો કડાકો

કરાચી: બુધવારની સવાર પાકિસ્તાની રોકાણકારો માટે ખુશીઓનો નવો સૂરજ લઈને આવી. પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ (PSX) ના બેન્ચમાર્ક KSE-100 ઇન્ડેક્સમાં 12,362.38 પોઈન્ટનો આંખે વળગે તેવો વધારો થયો છે. માર્કેટ ખુલ્યાની ગણતરીની મિનિટોમાં જ ઇન્ડેક્સ 164,035.83 પર પહોંચી ગયો હતો, જેના કારણે નિયમો મુજબ ટ્રેડિંગ પણ થોડા સમય માટે સ્થગિત કરવું પડ્યું હતું. આ તેજી પાકિસ્તાનના શેરબજારના ઈતિહાસમાં એક દિવસમાં આવેલો અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે.

આ ઐતિહાસિક તેજી પાછળનું સૌથી મોટું કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે જાહેર થયેલ બે અઠવાડિયાનો યુદ્ધવિરામ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન અને લશ્કરી નેતૃત્વ સાથેની વાતચીત બાદ ઈરાન પરના હુમલા રોકવાની જાહેરાત કરી છે. બદલામાં ઈરાન 'હોર્મુઝ સ્ટ્રેટ' (Strait of Hormuz) દ્વારા સુરક્ષિત પરિવહન માટે સંમત થયું છે. આ સમાચાર મળતા જ વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં 13% થી 15% નો જંગી ઘટાડો થયો છે, જેનાથી ફુગાવો ઘટવાની આશામાં રોકાણકારોએ ધૂમ ખરીદી કરી છે.

માત્ર પાકિસ્તાન જ નહીં, પણ ભારતીય અને અન્ય એશિયન બજારોમાં પણ શાનદાર તેજી જોવા મળી છે. ભારતમાં સેન્સેક્સ લગભગ 3,000 પોઈન્ટ વધ્યો છે, જ્યારે જાપાનનો નિક્કી 5% અને દક્ષિણ કોરિયાનો કોસ્પી 7% ઉછળ્યો છે. આ તેજી પાછલા મહિનામાં થયેલા મોટા ઘટાડા બાદ 'રિકવરી' તરીકે જોવામાં આવી રહી છે. ખાસ કરીને 2 માર્ચ 2026 ના રોજ થયેલા મોટા કડાકા બાદ, આજની આ તેજીએ રોકાણકારોને ફરી એકવાર બજારમાં વિશ્વાસ અપાવ્યો છે.

(6:36 PM IST)