<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

પાકિસ્તાની સિતારાઓની અનોખી ડિમાન્ડ: 'શાહબાઝ શરીફને ભલે નોબેલ આપો, પણ સાહેબ... પેટ્રોલ સસ્તું કરો!'

અમેરિકા-ઈરાન યુદ્ધવિરામમાં પાકિસ્તાનની મધ્યસ્થીના જોરશોરથી વખાણ, પણ મોંઘવારીથી ત્રસ્ત સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર વડાપ્રધાનની ચપટી લેતા આકરા પ્રહારો કર્યા

ઈસ્લામાબાદ:  અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના ઐતિહાસિક યુદ્ધવિરામ બાદ વૈશ્વિક રાજનીતિમાં પાકિસ્તાનનો દબદબો અચાનક વધી ગયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વડાપ્રધાન શાહબાઝ શરીફની 'ડિપ્લોમેટિક જીત' ગણાવીને તેમને શ્રેય આપવામાં આવી રહ્યો છે ત્યારે પાકિસ્તાની ફિલ્મ અને ટીવી ઉદ્યોગના કલાકારો પણ મેદાનમાં આવ્યા છે. ફરહાન સઈદ અને ઈમરાન અશરફ જેવા દિગ્ગજ કલાકારોએ આને દેશ માટે ગર્વની ક્ષણ ગણાવી વડાપ્રધાનના વખાણ કર્યા છે. બિલાલ કુરેશીએ તો ત્યાં સુધી કહ્યું કે આજે વડાપ્રધાનને 'શાહબાઝ' નહીં પણ ખરેખર 'શાબાશ શરીફ' કહેવાનો દિવસ છે.

જોકે, આ ઉજવણી અને પ્રશંસાની વચ્ચે પાકિસ્તાની જનતાની પીડા અને મોંઘવારીનો મુદ્દો પણ એટલો જ ગાજ્યો છે. પ્રખ્યાત અભિનેતા અહેમદ અલી ભટ્ટે સોશિયલ મીડિયા પર એક તીખી પણ રમૂજી પોસ્ટ શેર કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે લખ્યું કે યુદ્ધવિરામના સમાચાર ચોક્કસપણે સારા છે, પરંતુ તેઓ 'નોબેલ શાંતિ પુરસ્કાર' એ વ્યક્તિને આપવાની ભલામણ કરશે જે પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ ઘટાડીને ફરીથી 250 રૂપિયા પ્રતિ લીટર સુધી લઈ આવે. અદનાન ફૈઝલે પણ કટાક્ષ કરતા કહ્યું કે, "યુદ્ધ અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે હતું, પણ બાજી પાકિસ્તાન મારી ગયું!"

એક તરફ દુનિયા આ શાંતિ કરારને તણાવ મુક્તિની શરૂઆત તરીકે જોઈ રહી છે, બીજી તરફ પાકિસ્તાની સેલિબ્રિટીઓ અને જનતા આ 'વૈશ્વિક જીત'નો સીધો ફાયદો પોતાના ખિસ્સા પર જોવા માંગે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે 13% થી વધુનો કડાકો બોલાતા હવે લોકોની આશા છે કે સરકાર જલ્દીથી મોંઘવારીમાં રાહત આપશે. હાલ તો સોશિયલ મીડિયા પર 'શાબાશ શરીફ' અને 'પેટ્રોલના ભાવ' વચ્ચે જોરદાર જંગ જામ્યો છે, જેમાં સિતારાઓએ પ્રશંસાની સાથે સાથે સામાન્ય જનતાનો અવાજ પણ બુલંદ કર્યો છે.

(6:36 PM IST)