<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

રસોડાના ગેસે તોડ્યો સુહાગનો શણગાર: હવે બંગડીઓના રણકારમાં પણ મોંઘવારીની 'કડાકડી'!

ફિરોઝાબાદના કારખાનાઓમાં ગેસના સિલિન્ડર ખૂટતા રાંચીનું બંગડી બજાર ઠંડું પડ્યું : લગ્નની સીઝન હોવા છતાં મહિલાઓએ હોંશ પડતા મૂકીને ખરીદીમાં કર્યો મસમોટો કાપ

રાંચી: દેશમાં ચાલી રહેલી ગેસની કટોકટી હવે માત્ર રસોડાના ગરમાગરમ રોટલા પૂરતી મર્યાદિત નથી રહી, પણ તેની માઠી અસર સ્ત્રીઓના અતિ પ્રિય એવા બંગડી બજાર પર પણ પડી છે. દેશના સૌથી મોટા બંગડી ઉત્પાદન કેન્દ્ર ફિરોઝાબાદમાં કોમર્શિયલ ગેસની ભારે અછત સર્જાતા કાચ ઓગાળવાની ભઠ્ઠીઓ ઠંડી પડી રહી છે. પરિણામે, ઉત્પાદન ખર્ચમાં ધરખમ વધારો થતા પૂર્વ ભારતનું મુખ્ય વેપારી કેન્દ્ર ગણાતું રાંચીનું બજાર અત્યારે ભાવવધારાની આગમાં શેકાઈ રહ્યું છે. જે બંગડીઓ ક્યારેક સસ્તી અને સુંદર લાગતી હતી, તેના ભાવમાં હવે 15% સુધીનો તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે, જેના કારણે વેપારીઓ અને ગ્રાહકો બંને ચિંતામાં મુકાયા છે.

જથ્થાબંધ વેપારીઓના મતે, મોંઘવારીનો આ ડામ માત્ર કાચ સુધી જ સીમિત નથી. બંગડીઓ પર નંગ અને સજાવટ કરવા માટે વપરાતા ફેવિકોલ અને અન્ય એડહેસિવના ભાવ પણ બમણા થઈ ગયા છે. અગાઉ જે બંગડીનું બોક્સ ₹24 માં મળતું હતું, તે હવે વધીને ₹32 થી ₹35 એ પહોંચ્યું છે. આ ભાવવધારાને કારણે રિટેલર્સનું માર્જિન ઘટી ગયું છે અને ગ્રાહકો પણ નવી કિંમતો સાંભળીને ખરીદી કરતા અચકાઈ રહ્યા છે. સ્થિતિ એવી છે કે હોલસેલ વેપારીઓ પાસે માલનો સ્ટોક તો છે, પણ લેવાલ વર્ગ મોંઘવારીને કારણે બજારથી અંતર જાળવી રહ્યો છે અથવા તો માત્ર ગણતરીની ખરીદી કરી રહ્યો છે.

લગ્નની સીઝન અત્યારે પૂરબહારમાં ખીલી છે, છતાં બંગડી બજારમાં જોઈએ એવી રોનક દેખાતી નથી. અગાઉ દુલ્હનો અને તેમના પરિવારજનો દરેક ડ્રેસ સાથે મેચિંગ બંગડીઓના ઢગલાબંધ સેટ હોંશે હોંશે ખરીદતા હતા, પરંતુ હવે મોંઘવારીને લીધે લોકો માત્ર 'ટોકન' ખરીદી કરીને કામ ચલાવી રહ્યા છે. ગ્રાહકોમાં એવી માનસિકતા ઘર કરી ગઈ છે કે જો ગેસની કટોકટી હળવી થશે તો ભવિષ્યમાં ભાવ ઘટશે, તેથી અત્યારે બિનજરૂરી સ્ટોક કરવાનું ટાળી રહ્યા છે. આમ, ગેસની અછતે રસોડાના સ્વાદની સાથે સાથે સૌભાગ્યના પ્રતીક સમાન બંગડીઓના રણકારને પણ મોંઘો બનાવી દીધો છે.

(6:37 PM IST)