<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

ડ્રેગનની મધ્યસ્થી છતાં પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે મડાગાંઠ યથાવત: ઉરુમકીમાં અઠવાડિયા સુધી ચાલેલી વાટાઘાટો કોઈ પણ લેખિત કરાર વિના પૂર્ણ

આતંકવાદના મુદ્દે ઇસ્લામાબાદ અને કાબુલ વચ્ચેના મતભેદો ઉકેલવામાં ચીન નિષ્ફળ: વ્યાપક ઉકેલ શોધવા પર માત્ર મૌખિક સહમતિ, યુએનના અહેવાલે પાકિસ્તાનની મુશ્કેલી વધારી

નવી દિલ્હી : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને ડામવા માટે ચીનના શિનજિયાંગ પ્રાંતના ઉરુમકી શહેરમાં યોજાયેલી હાઈ-લેવલ બેઠક કોઈપણ ઔપચારિક કરાર વિના સમાપ્ત થઈ છે. ૧ થી ૭ એપ્રિલ દરમિયાન ચાલેલી આ વાટાઘાટોમાં ચીને બંને પડોશી દેશોને ટેબલ પર લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આતંકવાદ અને સરહદી સુરક્ષા જેવા જટિલ મુદ્દાઓ પર કોઈ સહમતિ સધાઈ શકી નથી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું કે, ત્રણેય પક્ષો ભવિષ્યમાં "વ્યાપક ઉકેલ" શોધવા માટે સંમત થયા છે.
આતંકવાદ અને આક્ષેપબાજીનો ગૂંચવાયેલો મામલો
ફેબ્રુઆરીમાં પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનની ધરતી પર કરવામાં આવેલા 'ઓપરેશન ગઝબ લિલ-હક' બાદ આ પ્રથમ મોટી રાજદ્વારી મુલાકાત હતી. પાકિસ્તાનનો આરોપ છે કે અફઘાનિસ્તાન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને BLA જેવા આતંકવાદી જૂથોને આશ્રય આપી રહ્યું છે. બીજી તરફ, અફઘાનિસ્તાન આ દાવાઓને સતત નકારી રહ્યું છે. ચીને પણ સ્વીકાર્યું છે કે આતંકવાદ એ બંને દેશોના સંબંધોમાં સૌથી મોટો અવરોધ છે, કારણ કે ચીન પોતે પણ તેના શિનજિયાંગ પ્રાંતમાં સક્રિય ઉઇગુર આતંકવાદીઓથી ચિંતિત છે.
યુએનના અહેવાલે પાકિસ્તાનને પાડ્યું ફિકું
આ વાટાઘાટો દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર (UN) ના નિષ્ણાતોનો એક અહેવાલ પાકિસ્તાન માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓની હાજરી અંગે કોઈ "વિશ્વસનીય પુરાવા" રજૂ કર્યા નથી. યુએનના મતે, પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન પર કરવામાં આવેલા હુમલા આંતરરાષ્ટ્રીય કાયદા અને યુએન ચાર્ટરનું ઉલ્લંઘન છે. પાકિસ્તાને આ અહેવાલ પર પ્રશ્નો ઉઠાવતા દાવો કર્યો છે કે તેમની પાસે પુરાવા છે, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર તેમની સ્થિતિ નબળી પડી છે.
ઉરુમકી પ્રક્રિયા અને ભવિષ્યની આશા
ચીની પ્રવક્તા માઓ નિંગે 'ઉરુમકી પ્રક્રિયા'ને અર્થપૂર્ણ ગણાવતા કહ્યું કે, ત્રણેય દેશો વચ્ચે વાતચીત ચાલુ રાખવી એ જ અત્યારે સૌથી મોટી સર્વસંમતિ છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બંને મુસ્લિમ ભાઈઓ અને નજીકના પડોશી હોવાથી દક્ષિણ એશિયાની શાંતિ માટે તેમના સંબંધો સુધરવા અનિવાર્ય છે. જોકે, વાસ્તવિકતા એ છે કે જ્યાં સુધી આતંકવાદી જૂથોના આશ્રય અંગે કોઈ નક્કર કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી સરહદ પર શાંતિ સ્થપાય તેવી શક્યતા ઓછી છે.
હાલ પૂરતું, ચીનની આ મધ્યસ્થી માત્ર 'વાતચીત માટેની વાતચીત' બનીને રહી ગઈ છે અને બંને દેશો વચ્ચેની ખાઈ હજુ પણ પૂરાઈ નથી.

(8:17 PM IST)