News of Wednesday, 8th April 2026
કેદારધામમાં બરફનું સામ્રાજ્ય: સતત ત્રીજા દિવસે ભારે હિમવર્ષાથી યાત્રાના આયોજન પર જોખમ
કેદારનાથ મંદિરમાં ૪ ફૂટ બરફની ચાદર પથરાઈ : પીવાના પાણીની પાઈપલાઈનો થીજી ગઈ અને ફૂટપાથ બંધ થતા ૨૨ એપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રા સામે કુદરતનો પડકાર

રુદ્રપ્રયાગ: બાબા કેદારના ધામમાં કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સતત ત્રીજા દિવસે થઈ રહેલી ભારે હિમવર્ષાને કારણે કેદારનાથ મંદિર પરિસરમાં ચાર ફૂટ જેટલો બરફ જમા થઈ ગયો છે. ૨૨ એપ્રિલથી અક્ષય તૃતીયાના પવિત્ર પર્વ પર યાત્રા શરૂ થવાની છે, પરંતુ હાલની સ્થિતિ જોતા વહીવટીતંત્રના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. તાપમાન શૂન્યથી પણ નીચે જતું રહ્યું હોવાથી પીવાના પાણીની પાઈપલાઈનો થીજીને પથ્થર જેવી થઈ ગઈ છે, જેના કારણે ત્યાં કામ કરી રહેલા મજૂરો અને કર્મચારીઓ માટે જીવનનિર્વાહ મુશ્કેલ બન્યો છે.
સામાન્ય રીતે કેદારનાથ યાત્રા મે મહિનામાં શરૂ થતી હોય છે, પરંતુ આ વર્ષે ૧૦ થી ૧૫ દિવસ વહેલી શરૂઆત થઈ રહી હોવાથી વહીવટીતંત્રની આકરી કસોટી થઈ રહી છે. મજૂરોએ ભારે જહેમત ઉઠાવીને રસ્તાઓ પરથી બરફ સાફ કર્યો હતો, પરંતુ નવી હિમવર્ષાએ ફરી એકવાર ફૂટપાથને બરફથી ઢાંકી દીધો છે. આ પ્રતિકૂળ સંજોગોમાં પણ હિંમત હાર્યા વગર ઘોડા અને ખચ્ચર દ્વારા મંદિરના પુનર્નિર્માણ માટેની સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. પીડબ્લ્યુડીના ઇજનેર રાઘવેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, હવામાન ભલે સાથ ન આપે, પણ નિર્ધારિત સમયમાં તૈયારીઓ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.
યાત્રાના પ્રારંભિક દિવસોમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતા છે, ત્યારે વહીવટીતંત્ર માટે રહેઠાણ, ભોજન અને ખાસ કરીને સ્વાસ્થ્ય સુવિધાઓ ઉભી કરવી સૌથી મોટો પડકાર છે. આટલી કાતિલ ઠંડી હૃદયરોગના દર્દીઓ અને વૃદ્ધો માટે જીવલેણ સાબિત થઈ શકે છે, તેથી મેડિકલ કેમ્પની સ્થાપના પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જો આગામી એક અઠવાડિયામાં હવામાન સાફ નહીં થાય, તો યાત્રાના શરૂઆતના દિવસોમાં શ્રદ્ધાળુઓની સંખ્યા પર કાપ મુકવો પડી શકે છે. હાલ તો સમગ્ર કેદારપુરી બરફની સફેદ ચાદરમાં લપેટાયેલી છે અને ભક્તો મેઘરાજા શાંત થાય તેની પ્રતીક્ષા કરી રહ્યા છે.
(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
