News of Thursday, 9th April 2026
ક્રુડ ઓઈલમાં 18% સુધીનો જંગી કડાકો: ભાવ પ્રતિ બેરલ 90 ડોલર સુધી ગગડી ગયા: શું પેટ્રોલ-ડીઝલ સસ્તુ થશે?
બ્રેન્ટ ક્રુડનો વાયદો 16 ટકા ઘટીને 91.80 ડોલર પ્રતી બેરલ થયો: WTI ક્રુડ ઓઈલ 18 ટકા ગગડી 92.62 ડોલર પ્રતી બેરલ થઈ ગયો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ઈરાન સાથે બે સપ્તાહના યુદ્ધવિરામ અંગે સહમતિ થયા બાદ ક્રુડ ઓઈલની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે અને પ્રતી બેરલ ભાવ 90 ડોલર આસપાસ આવી ગયો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝને તાત્કાલિક તથા સુરક્ષિત રીતે ફરી ખોલવાની શરત અંગે સહમતિ થતા આ અસર થઈ છે.
બ્રેન્ટ ક્રુડનો વાયદો 16 ટકા ઘટીને 91.80 ડોલર પ્રતી બેરલ થયો છે. WTI ક્રુડ ઓઈલ 18 ટકા ગગડી 92.62 ડોલર પ્રતી બેરલ થઈ ગયો છે.
યુરોપીયન બેંચમાર્ક ડીઝલની કિંમતો 20.8 ટકા ઘટીને 1,210.50 ડોલર પ્રતિ મેટ્રિક ટન પર આવી ગયા છે. વિશ્વની દૈનિક ક્રુડ ઓઈલના સપ્લાઈનો આશરે 20 ટકા હિસ્સો આ સાંકડા જળમાર્ગમાંથી પસાર થાય છે.
સૈદ્ધાંતિક રીતે હોર્મુઝ સ્ટ્રેટ પાછળ ફસાયેલા 10-13 મિલિયન બેરલ પ્રતિ દિવસ ક્રૂડ ઓઇલ અને અન્ય ઉત્પાદનોને હવે ધીમે ધીમે મુક્ત કરવા આવી શકે છે. માર્ચ પહેલાની પરિસ્થિતિ પુનઃસ્થાપિત થશે કે કેમ તે સંપૂર્ણપણે તેના પર નિર્ભર કરે છે કે વાટાઘાટો દરમિયાન યુદ્ધવિરામને કાયમી શાંતિમાં રૂપાંતરિત કરી શકાય છે કે નહીં.
શાંતિ કરાર હોવા છતાં ઈરાન ભવિષ્યમાં હોર્મુઝ સ્ટ્રેટ માટે ખતરો ઉભો કરી શકે છે અને બજાર આગળ જતાં હોર્મુઝ સ્ટ્રેટ માટે વધતા જોખમને ધ્યાનમાં લેશે, તેમ MST માર્કીના વિશ્લેષક શાઉલ કેવોનિકે જણાવ્યું હતું.
ઈરાન સાથેના અમેરિકા-ઈઝરાયલ યુદ્ધને કારણે તેલના ભાવમાં ઇતિહાસમાં સૌથી ઝડપી માસિક વધારો થયો, જે 50 ટકાથી વધુ હતો
. LKP સિક્યોરિટીઝના ઉપપ્રમુખ જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે શાંતિ કરાર પછી ક્રૂડ ઓઇલના ભાવમાં 15 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે, તેમણે ચેતવણી આપી હતી કે આ વધારો શોર્ટ-કવરિંગને કારણે હોઈ શકે છે, કારણ કે યુદ્ધવિરામ કેટલો સમય ચાલશે તે હજુ સ્પષ્ટ નથી.
(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
