<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

"અમારા અવશેષો આ માટીમાં મળશે કારણ કે અમને દફનાવવામાં આવે છે": કોંગ્રેસ નેતા રૂબીના ખાનનું વિવાદાસ્પદ નિવેદન, હિન્દુઓની અંતિમવિધિ પર કરી ટિપ્પણી

'વંદે માતરમ' બોલવાનો ફરી ઇનકાર: ઇસ્લામમાં અલ્લાહ સિવાય કોઈની પૂજા નથી માટે વંદે માતરમ નહીં બોલું - રૂબીના ખાન, ઇન્દોરમાં રાજકીય ગરમાવો વધ્યો

ઇન્દોર : મધ્યપ્રદેશના ઇન્દોરમાં 'વંદે માતરમ' ગાવાને લઈને શરૂ થયેલો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. ઇન્દોરના કોંગ્રેસ કોર્પોરેટર રૂબીના ઇકબાલ ખાને એક એવું નિવેદન આપ્યું છે જેનાથી રાજકીય અને સામાજિક ગલિયારાઓમાં હોબાળો મચી ગયો છે. તેમણે દેશભક્તિ અને રાષ્ટ્રગીત સાથેના પોતાના જોડાણને સ્પષ્ટ કરતાની સાથે જ હિન્દુ ધર્મની અંતિમ સંસ્કારની પરંપરા અને દેશની માટી પરના અધિકારને લઈને વિવાદાસ્પદ સરખામણી કરી છે.
અવશેષો અને માટી પરના અધિકારનો વિવાદ
રૂબીના ખાને દલીલ કરી હતી કે તેમનો અને તેમના સમુદાયનો આ દેશની માટી પર હિન્દુઓ કરતા પણ વધુ અધિકાર છે. તેમણે કહ્યું કે, "તમે જો જમીન ખોદશો તો અમારા અવશેષો અહીં જ મળશે કારણ કે અમને અહીં દફનાવવામાં આવે છે. જ્યારે હિન્દુઓના અવશેષો (અસ્થિઓ) ગંગામાં વહાવી દેવામાં આવે છે, જે વહીને અરબી સમુદ્રમાં જતા રહે છે." તેમના આ નિવેદનને કારણે ધાર્મિક લાગણીઓ દુભાવા મુદ્દે સોશિયલ મીડિયા અને રાજકીય પક્ષોમાં તીખી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
વંદે માતરમ અને ધાર્મિક માન્યતા
'વંદે માતરમ' ગાવાના મુદ્દે પોતાની સ્પષ્ટતા આપતા કોર્પોરેટરે જણાવ્યું કે તેઓ 'જન ગણ મન' અને અન્ય દેશભક્તિના ગીતો ગાય છે, પરંતુ 'વંદે માતરમ'ના શબ્દો બોલવાનું ટાળે છે. તેમના મતે 'વંદે' નો અર્થ પૂજા કે પ્રાર્થના થાય છે, અને ઇસ્લામમાં અલ્લાહ સિવાય અન્ય કોઈની પૂજા કરવી તે ધર્મ વિરુદ્ધ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આઝાદીના સમયે જે મુસ્લિમોએ આ ગીત ગાયું હશે તેઓ કદાચ તેના ધાર્મિક પાસાઓથી અજાણ હશે.
કોંગ્રેસ પાર્ટી પર પણ નિશાન સાધ્યું
રૂબીના ખાને માત્ર વિરોધ પક્ષો જ નહીં પરંતુ પોતાની પાર્ટી કોંગ્રેસ સામે પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે પાર્ટી તેમને પૂરતો ટેકો આપતી નથી. "હું અપક્ષ તરીકે પણ ચૂંટણી જીતી શકું તેમ છું, કોંગ્રેસ મારા માટે કોઈ અનિવાર્ય બાબત નથી," તેવું કહીને તેમણે પક્ષમાં આંતરિક ખેંચતાણ હોવાના સંકેતો આપ્યા છે.
ઇન્દોર મહાનગરપાલિકામાં બજેટ ચર્ચા દરમિયાન પણ અન્ય એક મહિલા કોર્પોરેટર ફૌઝિયા આલીમે 'વંદે માતરમ' ગાવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે તેમને ગૃહ છોડવાનો આદેશ અપાયો હતો. આ ઘટનાઓના પગલે ઇન્દોરનું રાજકીય વાતાવરણ અત્યંત તંગ બની ગયું છે અને આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે.

(9:34 PM IST)