<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડા પાછળ તુર્કી જવાબદાર

સળંગ બે મહિનામાં ૧૨૮ ટન સોનાનું વેચાણઃ આર્થિક સંકટ અને ઘટતી સરકારી આવકને પહોંચી વળવા તુર્કી તથા રશિયા દ્વારા સોનાના મોટા જથ્‍થાનું વેચાણ : જ્‍યારે વિશ્‍વના અન્‍ય દેશો વિક્રમી ઊંચા ભાવે સોનાની ખરીદી કરી રહ્યા હતા, ત્‍યારે તુર્કી અને રશિયાએ ફેબ્રુઆરી અને માર્ચમાં સોનાનું મોટા પાયે વેચાણ કર્યુ : ન્‍યુઝ ફર્સ્‍ટ

મુંબઈ, તા.૯: તાજેતરમાં વિશ્વભરમાં સોનાના ભાવમાં જે ઘટાડો જોવા મળ્‍યો છે તેની પાછળ તુર્કી મુખ્‍ય કારણ હોવાનું સામે આવ્‍યું છે. જ્‍યારે વિશ્વના અન્‍ય દેશો વિક્રમી ઊંચા ભાવે સોનાની ખરીદી કરી રહ્યા હતા, ત્‍યારે તુર્કી અને રશિયાએ પોતાની ઘટતી સરકારી આવક અને આર્થિક સંકટને કારણે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં સોનાનું મોટા પાયે વેચાણ કર્યું છે, જેમાં તુર્કીએ બે મહિનામાં કુલ ૧૨૮ ટન સોનું વેચ્‍યું છે.

ન્‍યૂઝફર્સ્‍ટના અહેવાલ જણાવે છે કે વૈશ્વિક તણાવ વધે તે પહેલાં ફેબ્રુઆરીમાં અનેક દેશોએ સોનાની ખરીદી કરી હતી. ફેબ્રુઆરીમાં પોલેન્‍ડે ૨૦ ટન, ઉઝબેકિસ્‍તાને ૮ ટન, ચીને ૧ ટન અને અન્‍ય દેશોએ ૪ ટન એમ કુલ ૩૩ ટન સોનાની ખરીદી કરી હતી. તેની સામે તુર્કીએ ૮ ટન અને રશિયાએ ૬ ટન મળીને કુલ ૧૪ ટન સોનાનું વેચાણ કર્યું હતું. આ વેચાણ પાછળ મુખ્‍યત્‍વે બંને દેશોની સરકારી આવકમાં થયેલો ભારે ઘટાડો અને યુદ્ધ જેવી સ્‍થિતિમાં અર્થતંત્રને ટકાવી રાખવાનો પ્રયાસ જવાબદાર છે.

માર્ચ મહિનામાં તુર્કીનું આ વેચાણ વધુ તેજ બન્‍યું હતું. આંકડાઓ મુજબ, તુર્કીની મધ્‍યસ્‍થ બેંકે પોતાના ચલણને ટેકો આપવા અને વધતા ખર્ચને પહોંચી વળવા માર્ચમાં ૨૨ ટન સોનું સીધું વેચ્‍યું હતું, જ્‍યારે ૩૧ ટન સોનું સ્‍વેપ કરાર મારફતે બજારમાં મૂકયું હતું. આ ઉપરાંત મહિનાના અંત ભાગમાં રિટેલ બજારમાં પણ મોટા પાયે સોનું વેચવામાં આવ્‍યું હતું.

માર્ચ મહિનામાં જ તુર્કી દ્વારા લગભગ ૧૨૦ ટન સોનાનું વેચાણ કરવામાં આવ્‍યું હતું. ફેબ્રુઆરી અને માર્ચ એમ બંને મહિનાનો આંકડો ભેગો કરીએ તો તુર્કીએ સળંગ બે મહિનામાં કુલ ૧૨૮ ટન સોનું બજારમાં ઠાલવ્‍યું છે. બજારમાં અચાનક આટલા મોટા પ્રમાણમાં સોનાનો પુરવઠો આવવાને કારણે જ વૈશ્વિક સ્‍તરે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે તેમ નિષ્‍ણાતો અને ગ્‍લોબલ ગોલ્‍ડ ડેટાના આંકડા સ્‍પષ્ટ કરે છે.

(10:52 AM IST)