News of Thursday, 9th April 2026
ટ્રમ્પની એન્ટ્રીથી મધ્ય પૂર્વના જંગમાં મોટો વળાંક: ઇઝરાયલ અને લેબનોન વચ્ચે સીધી વાતચીતના એંધાણ
ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચેની ટેલિફોનિક મંત્રણા બાદ શાંતિની આશા જાગી : ઇઝરાયલે હિઝબુલ્લાહના નિઃશસ્ત્રીકરણની શરતે મંત્રણા માટે કેબિનેટને આદેશ આપ્યો

બેરુત: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે સીધી ફોન પર વાતચીત કરી છે, જેમાં તેમણે લેબનોન પરના હુમલાની તીવ્રતા ઘટાડવા અને રાજદ્વારી માર્ગ અપનાવવા ભાર મૂક્યો છે. ટ્રમ્પની આ દરમિયાનગીરી બાદ નેતન્યાહૂએ આશ્ચર્યજનક રીતે પોતાની કેબિનેટને લેબનોન સાથે સીધી શાંતિ વાટાઘાટો શરૂ કરવા માટે નિર્દેશ આપ્યો છે. નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું કે આ મંત્રણાનો મુખ્ય એજન્ડા હિઝબુલ્લાહને શસ્ત્રહીન કરવાનો અને સરહદી વિસ્તારોમાં સ્થિરતા લાવવાનો રહેશે. આ બદલાતા સમીકરણો ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધવિરામના પ્રયાસોને સફળ બનાવવાની દિશામાં એક મહત્વનું કદમ માનવામાં આવી રહ્યું છે.
જો કે, આ શાંતિ મંત્રણાના અહેવાલો વચ્ચે પણ જમીની સ્થિતિ તણાવપૂર્ણ છે. ઇઝરાયલે તાજેતરમાં જ લેબનોન પર અત્યાર સુધીનો સૌથી ભીષણ હવાઈ હુમલો કર્યો હતો, જેમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે. આ હુમલાને કારણે ઈરાને પણ લાલ આંખ કરી હતી અને યુદ્ધવિરામ કરારમાંથી પીછેહઠ કરવાની ધમકી આપી હતી. પરંતુ ટ્રમ્પના દબાણ હેઠળ હવે ઇઝરાયલ થોડું નમતું જોખતું હોય તેવું જણાય છે. નેતન્યાહૂએ લેબનોનના વડા પ્રધાનના એ નિવેદનને પણ આવકાર્યું છે જેમાં બેરૂતને સૈન્ય પ્રવૃત્તિઓથી મુક્ત રાખવાની વાત કરવામાં આવી હતી, જે સીધી વાટાઘાટો માટે મજબૂત પાયો બની શકે છે.
બીજી તરફ, લેબનોને ઇઝરાયલના આક્રમક વલણ સામે આંતરરાષ્ટ્રીય સ્તરે બાથ ભીડવાની તૈયારી કરી લીધી છે. લેબનોનના વડા પ્રધાન નવાફ સલામે જાહેરાત કરી છે કે તેઓ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઇઝરાયલ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવશે. સલામે આક્ષેપ કર્યો હતો કે ઇઝરાયલી હુમલા માનવતાવાદી કાયદાનું ઉલ્લંઘન છે અને તે શાંતિ પ્રક્રિયાને જાણીજોઈને નબળી પાડી રહ્યા છે. હાલમાં લેબનોન સરકાર બેરૂતમાં માત્ર સરકારી દળો પાસે જ હથિયારો રહે તેવા કડક નિયમો અમલી બનાવી રહી છે, જેથી કરીને આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ તે પોતાની સુરક્ષા માટે ગંભીર હોવાનું સાબિત કરી શકે. હવે જોવાનું એ રહેશે કે ટ્રમ્પની આ 'ફોન ડિપ્લોમસી' ખરેખર મધ્ય પૂર્વમાં કાયમી શાંતિ લાવે છે કે પછી આ માત્ર તોફાન પહેલાની શાંતિ છે.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
