News of Friday, 10th April 2026
મુંબઇ એરપોર્ટ પરથી ૩૭ કરોડનું સોનું પકડાયું: ૨૪ મહિલાઓની થઇ ધરપકડ
સોનાની દાણચોરીની સિન્ડીકેટનો પર્દાફાશ

મુંબઇ તા.૧૦: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની દાણચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં ૨૪ મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમની પાસેથી ૨૯.૩૭ કિલોગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિમત આશરે રૂા.૩૭.૭૪ કરોડ છે. ગુપ્ત માહિતીના આધારે, DRI ના મુંબઈ ઝોનલ યુનિટે બુધવારે ૅઓપરેશન ધાબુ બ્લિટ્ઝ શરૂ કર્યું. અધિકારીએ જણાવ્યું હતું કે, મુંબઈ એરપોર્ટ પર આ વર્ષની સૌથી મોટી કામગીરીમાંની એક માનવામાં આવે છે. ધાબુનો અર્થ સ્વાહિલીમાં સોનું થાય છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, DRI ને માહિતી મળી હતી કે કેન્યાના નૈરોબીથી આવતી કેટલીક મહિલાઓ તેમની સાથે સોનું છુપાવી રહી છે. ત્યારબાદ, નૈરોબીથી મુંબઈ આવી રહેલી ૨૪ વિદેશી મહિલાઓને અટકાવવામાં આવી હતી. તેમની શોધખોળ દરમિયાન, તેમની બેગ અને કપડાંમાંથી ૨૫.૧૦ કિલોગ્રામ સોનાના લગડીઓ અને ૪.૨૭ કિલોગ્રામ સોનાના દાગીના મળી આવ્યા હતા.
તપાસમાં જાણવા મળ્યું છે કે આ મહિલાઓને ખાસ કરીને સોનું છુપાવવા અને સુરક્ષા તપાસથી બચવા માટે તાલીમ આપવામાં આવી હતી. આ સૂચવે છે કે એક સુવ્યવસ્થિત દાણચોરીનું જૂથ આવા કેરિયર્સનો ઉપયોગ કરીને એરપોર્ટ સુરક્ષાને અવગણવાનો પ્રયાસ કરી રહ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલી મહિલાઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યારે દાણચોરી રેકેટના માસ્ટરમાઇન્ડને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
