<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

ન્‍યૂયોર્કમાં કૂકી શોપમાં કામ કરતા ૬૨ વર્ષીય ગુજરાતીની ધરપકડ

અરવિંદ પટેલ પર પોતાની સાથે કામ કરતી યુવતીને અયોગ્‍ય રીતે સ્‍પર્શ કરવાનો આરોપ

ન્‍યૂયોર્ક તા.૧૦: ન્‍યૂયોર્કમાં કુકી શોપમાં નોકરી કરતા અરવિદ પટેલ નામના એક ગુજરાતી આધેડ પર પોતાની સાથે કામ કરતી યુવતીને અયોગ્‍ય રીતે સ્‍પર્શ કરવાનો આરોપ લાગ્‍યો છે. ફેરપોર્ટમાં બનેલી આ ઘટનામાં આરોપી પર બદઈરાદા સાથે કોઈને જબરજસ્‍તી સ્‍પર્શ કરવાનો આરોપ લગાવાયો છે તેવું ઓન્‍ટારિયો કાઉન્‍ટી શેરિફ ઓફિસ દ્વારા જણાવાયું છે .અરવિંદ પટેલ કોમર્સ ડ્રાઈવ પર વિક્‍ટર ક્રોસિગ પ્‍લાઝામાં આવેલી ક્રમ્‍બલ કુકી શોપમાં જોબ કરતા હોવાનું જાણવા મળ્‍યું છે.

તેમના પર આરોપ મૂકનારી યુવતી પણ આ જ સ્‍થળ પર જોબ કરતી હતી. અરવિદ પટેલને ગત મંગળવારે બપોરે અરેસ્‍ટ કર્યા બાદ ઓન્‍ટારિયો કાઉન્‍ટી જેલમાં મોકલી દેવાયા હતા જ્‍યાંથી તેમને કોર્ટમાં હાજર રહેવાની ટિકિટ આપી રિલિઝ કરવામાં આવ્‍યા હતા. અરવિદ પટેલ આ જગયાએ કેટલા સમયથી જોબ કરે છે તેમજ જે યુવતી સાથે તેમણે આ કહેવાતી હરકત કરી છે તેની ઉંમર કેટલી છે અને તે ક્‍યારથી આરોપીને ઓળખતી હતી તેવી કોઈ વિગતો નથી મળી શકી.

જોકે, પોલીસના જણાવ્‍યા અનુસાર અરવિદ પટેલે કામકાજના સ્‍થળે જ આ હરકત કરી હતી. તેમના પર કયા ચાર્જિસ લગાવાયા છે તે અંગે હાલ કોઈ ચોખવટ નથી કરાઈ, જો ગુનો સાબિત થાય તો જેલની સજા ફટકારવાની સાથે અરવિદ પટેલનું નામ સેક્‍સ અફેન્‍ડર તરીકે રજિસ્‍ટર્ડ કરી લેવાશે.

અમેરિકામાં મજાક મસ્‍તીના નામે કોઈપણ વ્‍યક્‍તિ પર અને ખાસ તો સાથે કામ કરતા લોકો પર ગમે તેવી કમેન્‍ટ નથી કરી શકાતી કે ના તો તેમને ટચ પણ કરી શકાય છે. આવા કેસમાં જો કોઈ પોલીસ ફરિયાદ કરી દે તો સામેવાળો લેવા-દેવા વગરનો ફસાઈ જતો હોય છે. અરવિદ પટેલે પોતાની સામે ફરિયાદ કરનારી યુવતી સાથે ખરેખર શું કર્યું હતું તેની વિગતો માત્ર કોર્ટ સમક્ષ જ રજૂ કરવામાં આવશે. આવા મામલામાં ફરિયાદનું નામ પણ જાહેર કરવામાં ના આવતું હોવાથી અરવિંદ પટેલ પર આરોપો મૂકનાર કોણ છે તે પણ ક્‍યારેય નહીં જાણી શકાય.

જોકે, આવી મેટરમાં પોલીસ દ્વારા અરેસ્‍ટ કરાયેલા અરવિંદ પટેલ કોઈ પહેલા ગુજરાતી નથી. આ અગાઉ પણ ઘણા ગુજરાતીઓને પોતાના પર લાગેલા સાચા-ખોટા આરોપને કારણે જેલની હવા ખાવી પડી છે. અરવિદ પટેલના કેસમાં તેમનો કોઈ વાંક-ગુનો હતો કે કેમ તે કોર્ટ નક્કી કરશે, પણ યુએસમાં રહેતા ગુજરાતીઓનું માનીએ તો આવા કેટલાક મામલામાં કહેવાતી છેડતી કે પછી અબ્‍યુઝ કરનારનો આવો કોઈ ઈરાદો ના હોવા છતાંય તેને પોતાનો ગુનો કબૂલ કરવાની ફરજ પાડવામાં આવતી હોય છે

(10:22 AM IST)