<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

આસ્‍થા કે બરબાદીઃ નર્મદા નદીમાં ૧૧,૦૦૦ લીટર દૂધનો અભિષેકઃ ટેન્‍કરથી દૂધ વહાવ્‍યું

આ મહાયજ્ઞનું આયોજન સંત શિવાનંદ મહારાજના નેતૃત્‍વમાં કરવામાં આવ્‍યું હતું. ૧૮ માર્ચથી શરૂ થયેલા આ ધાર્મિક અનુષ્ઠાનમાં દરરોજ મોટી માત્રામાં હવન સામગ્રીનો ઉપયોગ કરાયો

સીહોર તા.૧૦: મધ્‍ય પ્રદેશના સિહોરમાંથી એક અનોખી ધાર્મિક તસવીર સામે આવી છે, જ્‍યાં મા નર્મદાના દુગ્‍ધાભિષેકનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ આયોજન ભેરુંદા વિસ્‍તારના સાતદેવમાં આવેલા પ્રાચીન પાતાલેશ્વર મહાદેવ મંદિરમાં થયું. જ્‍યાં ૨૧ દિવસીય મહાયજ્ઞનું ભવ્‍ય સમાપન કરવામાં આવ્‍યું.

જાણકારી અનુસાર, આ મહાયજ્ઞનું આયોજન સંત શિવાનંદ મહારાજના નેતૃત્‍વમાં કરવામાં આવ્‍યું હતું. ૧૮ માર્ચથી શરૂ થયેલા આ ધાર્મિક અનુષ્ઠાનમાં દરરોજ મોટી માત્રામાં હવન સામગ્રીનો ઉપયોગ કરાયો. સમાપનના અવસર પર લગભગ ૧૧ હજાર લીટર દૂધ મા નર્મદામાં અભિષેક કરવામાં આવ્‍યો. જેના માટે દૂધનો ટેન્‍કરનો ઉપયોગ કરવામાં આવ્‍યો.

કહેવાય છે કે આખા આયોજન દરમિયાન લગભગ ૪૧ ટન હવન સામગ્રી, જડીબુટ્ટી સાથે સોના-ચાંદીની આહુતિ પણ આપવામાં આવી. આ ઉપરાંત શ્રદ્ધાળુઓએ મોટી સંખ્‍યામાં નારિયેળ અર્પણ કર્યાં અને ભવ્‍ય ભંડારાનું આયોજન કરાયું, જેમાં હજારો લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો.

જો કે, આ આયોજનનો વીડિયો સામે આવ્‍યા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા થવા લાગી છે. એક તરફ લોકો તેને આસ્‍થા અને શ્રદ્ધાનું પ્રતીક ગણાવી રહ્યા છે, તો બીજી તરફ અમુક લોકો તેને સંસાધનોની બરબાદી ગણાવી રહ્યા છે. આલોચકોનું કહેવું છે કે આટલી મોટી માત્રામાં દૂધ જરૂરિયાતમંદ લોકોને વહેંચી શકાયું હોત. જ્‍યારે સમર્થકોનું માનવું છે કે મા નર્મદા પ્રત્‍યે આ શ્રદ્ધા છે.

ધાર્મિક માન્‍યતાઓ અનુસાર, સાતદેવ ક્ષેત્રને સપ્ત ઋષિઓની તપોભૂમિ માનવામાં આવે છે. જ્‍યાં ભગવાન શિવ પાતાલેશ્વર મહાદેવ તરીકે પ્રગટ થયા હતા. આ જ કારણ છે કે આ ક્ષેત્રનું ધાર્મિક મહત્ત્વ ખૂબ જ વધારે છે અને અહીં મોટા પાયે અનુષ્ઠાન આયોજિત થતાં રહે છે.

 

(10:22 AM IST)