<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

કુવૈતમાં ઈરાની ડ્રોન ભયંકર હુમલાઃ ભારે નુકસાનઃ મહત્‍વપૂર્ણ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર સાઇટ્‍સને

નિશાન બનાવવામાં આવીઃ સીઝફાયર છતાં કુવૈતમાં ઈરાની ડ્રોનનો કહેર

નવી દિલ્‍હી,તા.૧૦: ઈરાન અને અમેરિકા વચ્‍ચે ચાલી રહેલા યુદ્ધવિરામ એટલે કે સીઝફાયરના કરાર વચ્‍ચે કુવૈતમાં સ્‍થિતિ તંગ બની છે. કુવૈત રક્ષા મંત્રાલયના અહેવાલ મુજબ, અત્‍યારે  ભારતીય સમય પ્રમાણે મોડી રાત્રે, કુવૈતની અનેક મહત્‍વપૂર્ણ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર સાઇટ્‍સ પર ઈરાની ડ્રોન દ્વારા હુમલા કરવામાં આવ્‍યા છે.

આ હુમલાઓમાં તેલના કુવાઓ, પાવર સ્‍ટેશનો અને પાણીના પ્‍લાન્‍ટ્‍સને ગંભીર નુકસાન પહોંચ્‍યું છે.

બીજી તરફ, અગાઉ થયેલા એક ઘાતક હુમલામાં ૧૦૩માં સસ્‍ટેઈનમેન્‍ટ કમાન્‍ડના ૬ અમેરિકી સૈનિકોના મોત મામલે પેન્‍ટાગોનના દાવાઓ સામે બચી ગયેલા સૈનિકોએ ગંભીર સવાલો ઉઠાવ્‍યા છે.

કુવૈતના સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે સીઝફાયર અમલમાં હોવા છતાં છેલ્‍લા કેટલાક કલાકોમાં ઈરાની ડ્રોન દ્વારા દેશના અનેક મહત્‍વના સ્‍થળો પર હુમલો કરવામાં આવ્‍યો છે. આ હુમલામાં કુવૈત પેટ્રોલિયમ કોર્પોરેશનના શુવૈખ સ્‍થિત ઓઈલ સેક્‍ટર કોમ્‍પ્‍લેક્‍સ તેમજ અનેક પાવર અને ડિસેલિનેશન પ્‍લાન્‍ટ્‍સને ભારે નુકસાન થયું છે.

આ ઘટના બાદ ઈમરજન્‍સી પ્‍લાન સક્રિય કરવામાં આવ્‍યા છે જેથી નાગરિક સુવિધાઓ જળવાઈ રહે.

દરમિયાન, સીબીએસ ન્‍યૂઝના એક વિશેષ અહેવાલમાં કુવૈતમાં ૧ માર્ચ ૨૦૨૬ના રોજ થયેલા ડ્રોન હુમલા અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. શુઆઈબા બંદર ખાતે થયેલા આ હુમલામાં ૧૦૩માં સસ્‍ટેઈનમેન્‍ટ કમાન્‍ડના ૬ અમેરિકી સૈનિકો માર્યા ગયા હતા.

અગાઉ રક્ષા મંત્રાલયે આ હુમલાને લઈને જે વિગતો આપી હતી તેને બચી ગયેલા સૈનિકોએ ખોટી ગણાવી છે. બચી ગયેલા સૈનિકોના જણાવ્‍યા મુજબ, હુમલા પહેલા જ 'ઓલ ક્‍લિયર' એલાર્મ વાગી ગયું હતું, જેથી સૈનિકોએ પોતાના સુરક્ષા ગિયર (રક્ષણાત્‍મક સાધનો) ઉતારી દીધા હતા અને પોતપોતાના સ્‍ટેશનો પર પરત ફર્યા હતા, ત્‍યારે જ ડ્રોન સીધું તેમના ટ્રેલર સાથે અથડાયું હતું.

સૈનિકોએ આક્ષેપ કર્યો છે કે તે સમયે ત્‍યાં સંરક્ષણ વ્‍યવસ્‍થાનો અભાવ હતો અને પેન્‍ટાગોન દ્વારા કરવામાં આવેલ કિલ્‍લેબંધીનો દાવો પાયાવિહોણો છે.

સીબીએસ ન્‍યૂઝ દ્વારા મેળવવામાં આવેલી તસવીરોમાં હુમલા બાદનો કાટમાળ અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા સ્‍પષ્ટ દેખાય છે. કુવૈતના અમીર મિશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહે પણ આ ઘટનાઓને વગર ઉશ્‍કેરણીએ કરવામાં આવેલા હુમલા ગણાવ્‍યા છે. હાલમાં સમગ્ર ખાડી વિસ્‍તારમાં આ હુમલાઓને કારણે યુદ્ધવિરામ જોખમમાં મુકાયો હોય તેવી સ્‍થિતિ સર્જાઈ છે.

 

(10:48 AM IST)