<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

ખાકી શરમાઈ, કાયદો રડ્યો: 4 વર્ષની માસૂમ પર બળાત્કાર-હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે યુપી પોલીસને ઉધડે લીધી

માસૂમ બાળકી લોહીલુહાણ હાલતમાં હતી છતાં હોસ્પિટલોએ સારવાર ન આપી અને પોલીસે FIRમાં બળાત્કારની કલમો જ ન નોંધી : ન્યાયતંત્રએ પોલીસ કમિશનરને રૂબરૂ હાજર થવા ફરમાન કરી પૂછ્યું- 'આ તે કેવી વ્યવસ્થા?'

ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 4 વર્ષની માસૂમ બાળકી સાથે પડોશીએ બર્બરતા આચરી તેની હત્યા કરી દીધી. આ કેસમાં પોલીસની ભૂમિકા એટલી હદે શંકાસ્પદ રહી કે સુપ્રીમ કોર્ટે તેને 'પ્રણાલીગત નિષ્ફળતા' ગણાવી છે. જ્યારે પીડિતાના પિતા પોતાની લોહીથી લથપથ પુત્રીને લઈને બે ખાનગી હોસ્પિટલોમાં દોડ્યા, ત્યારે ડોક્ટરોએ સારવાર આપવાને બદલે તેને હાંકી કાઢી હતી. આખરે સરકારી હોસ્પિટલ પહોંચતા સુધીમાં માસૂમે દમ તોડી દીધો. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે સ્પષ્ટપણે જાતીય હુમલો દેખાતો હોવા છતાં, પોલીસે FIRમાં બળાત્કાર કે પોક્સો (POCSO) એક્ટની કલમોનો સમાવેશ જ કર્યો નહોતો.

સુપ્રીમ કોર્ટની બેન્ચે જ્યારે આ કેસના પુરાવા અને વીડિયો જોયા ત્યારે ન્યાયાધીશોએ ભારે રોષ અને દુઃખ વ્યક્ત કર્યું હતું. કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે બાળકી જીવતી હતી તેવા વીડિયો પુરાવા છે, તો પોલીસે તેને મૃત જાહેર કેમ કરી? એટલું જ નહીં, આરોપીના કથિત એન્કાઉન્ટરની વાર્તા પર પણ કોર્ટે ગંભીર સવાલો કર્યા છે કે પોલીસ કસ્ટડીમાં રહેલા વ્યક્તિ પાસે હથિયાર ક્યાંથી આવ્યું? સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલાની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) અથવા સેન્ટ્રલ એજન્સીને સોંપવાનો સંકેત આપી દીધો છે અને ગાઝિયાબાદ પોલીસ કમિશનરને 13 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવા કડક આદેશ આપ્યો છે.

પીડિત પરિવાર માટે આ લડાઈ માત્ર ન્યાયની જ નહીં, પણ રક્ષણની પણ બની ગઈ છે, કારણ કે પોલીસે મદદ કરવાને બદલે પિતાને ધમકાવ્યા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે પીડિત પરિવારને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થવી જોઈએ. આ કેસમાં જે રીતે હોસ્પિટલો અને ખાકી વર્દીએ સંવેદનહીનતા દાખવી છે, તેણે આખા દેશને હચમચાવી દીધો છે. હવે આશા સેવાઈ રહી છે કે સર્વોચ્ચ અદાલતના હસ્તક્ષેપ બાદ આ માસૂમને સાચો ન્યાય મળશે અને બેદરકાર અધિકારીઓ સામે દાખલારૂપ કાર્યવાહી થશે.

(6:04 PM IST)