<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

ઉજ્જૈનમાં જિંદગી અને મોત વચ્ચે હૃદયદ્રાવક જંગ: ૬૦ ફૂટ ઊંડા બોરવેલમાં ૩ વર્ષનો માસૂમ ફસાયો, ૧૮ કલાકથી રેસ્ક્યુ ઓપરેશન જારી

રાજસ્થાનના ભરવાડ પરિવારનો પુત્ર રમતા-રમતા કાળમુખા બોરવેલમાં ખાબક્યો; વહીવટીતંત્ર દ્વારા બાળકને સલામત બહાર કાઢવા માટે ભારે જહેમત, સમગ્ર પંથકમાં પ્રાર્થનાનો દોર

ઉજ્જૈન: મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના બડનગર વિસ્તારમાં એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ઝાલરિયા ગામમાં ગુરુવારે બપોરે એક ૩ વર્ષનો માસૂમ બાળક ૬૦ ફૂટ ઊંડા ખુલ્લા બોરવેલમાં પડી ગયો હતો. છેલ્લા ૧૮ કલાકથી વધુ સમય વીતી જવા છતાં હજુ સુધી બાળકને બહાર કાઢવામાં સફળતા મળી નથી. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે.
ભરવાડ પરિવાર પર તૂટી પડ્યું આભ
માહિતી મુજબ, આ બાળકનું નામ ભગીરથ છે, જે રાજસ્થાનના પાલી જિલ્લાના ગુંડાનાલા ગામના પ્રવીણ દેવસીનો પુત્ર છે. ભગીરથનો પરિવાર ઘેટાં-બકરાં ચરાવવા માટે રાજસ્થાનથી ઉજ્જૈન આવ્યો હતો અને ઝાલરિયા ગામના એક ખેતર પાસે કામચલાઉ ડેરો નાખ્યો હતો. ગતરોજ જ્યારે પરિવાર પશુ ચરાવવામાં વ્યસ્ત હતો, ત્યારે રમતા-રમતા ભગીરથ ખેતરમાં આવેલા અસુરક્ષિત અને ખુલ્લા બોરવેલમાં ખાબક્યો હતો.
૧૮ કલાકથી યુદ્ધના ધોરણે બચાવ કામગીરી
ઘટનાની જાણ થતા જ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. બોરવેલની અંદર ઓક્સિજન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને કેમેરા દ્વારા બાળકની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જેસીબી મશીનો દ્વારા બોરવેલની સમાંતર ખાડો ખોદવાની કામગીરી રાતભર ચાલુ રહી હતી, પરંતુ પથ્થરાળ જમીનને કારણે રેસ્ક્યુમાં અવરોધ આવી રહ્યો છે.
રાજકીય ગરમાવો અને સુરક્ષાના સવાલો
આ ઘટના બાદ વિપક્ષી નેતા (LoP) ઉમંગ સિંઘરે સોશિયલ મીડિયા દ્વારા સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું કે, "આ ઘટના અત્યંત હૃદયદ્રાવક છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે માસૂમ ભગીરથ સુરક્ષિત બહાર આવે." સાથે જ તેમણે રાજ્ય સરકારને તાકીદ કરી છે કે સમગ્ર મધ્યપ્રદેશમાં જે પણ બોરવેલ ખુલ્લા અને અસુરક્ષિત છે તેને તાત્કાલિક સીલ કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ માસૂમનો ભોગ ન લેવાય.
હાલમાં આખું ગામ અને ભગીરથનો પરિવાર બોરવેલની આસપાસ મીટ માંડીને બેઠો છે. વહીવટીતંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેઓ ખૂબ જ જલ્દી બાળક સુધી પહોંચી જશે. હજારો લોકો અત્યારે આ માસૂમની સુરક્ષિત વાપસી માટે દુઆ કરી રહ્યા છે.

(6:18 PM IST)