હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
'સબકા માલિક એક': ઓપરેશન સિંદૂરમાં માનવતાનો વિજય : આર્મી ચીફે ખોલ્યા રણનીતિના રહસ્યો
નમાઝના સમયે હુમલો ટાળી ભારતીય સેનાએ નૈતિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું : આધુનિક યુદ્ધમાં હથિયારો કરતા મનોવૈજ્ઞાનિક વિજય અને સચોટ માહિતી યુદ્ધ વધુ શક્તિશાળી સાબિત થયું હોવાનો જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનો ઘટસ્ફોટ

નવી દિલ્હી: ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ 'ઓપરેશન સિંદૂર' વિશે હૃદયસ્પર્શી ખુલાસો કરતા જણાવ્યું કે, યુદ્ધના મેદાનમાં લોહી વહેવડાવવા કરતા માનવતા અને ધાર્મિક આસ્થાનું સન્માન વધુ મહત્વનું છે. મે 2025માં પહેલગામ આતંકી હુમલાના જવાબમાં હાથ ધરાયેલા આ ઓપરેશન દરમિયાન સેનાએ હુમલાનો સમય અત્યંત સાવચેતીપૂર્વક પસંદ કર્યો હતો. આર્મી ચીફના જણાવ્યા અનુસાર, સેના પાસે ગમે ત્યારે પ્રહાર કરવાની ક્ષમતા હોવા છતાં, જાણીજોઈને નમાઝ કે અન્ય ધાર્મિક પ્રાર્થનાના કલાકો ટાળવામાં આવ્યા હતા. 'દરેકનો માલિક એક છે' એવા ઉમદા વિચાર સાથે લેવાયેલા આ નિર્ણયે સાબિત કર્યું કે ભારતીય સેના માત્ર આતંકવાદ વિરુદ્ધ જ નહીં, પણ નૈતિકતાના મોરચે પણ મજબૂત છે.
બેંગલુરુના 'રણ સંવાદ' કાર્યક્રમમાં જનરલે સ્પષ્ટ કર્યું કે ઓપરેશન સિંદૂર એ માત્ર ગોળીબારનું મિશન નહોતું, પરંતુ તે આધુનિક ટેકનિકલ યુદ્ધનું પ્રતિક હતું. આ ઓપરેશનમાં કુલ તાકાતના 15 ટકા હિસ્સો દુશ્મનના 'ઇન્ફોર્મેશન વોર' એટલે કે ખોટી માહિતી ફેલાવતા પ્રચારને તોડવા માટે વપરાયો હતો. પાકિસ્તાન તરફથી થયેલા ડ્રોન હુમલા અને તોપમારાનો જડબાતોડ જવાબ આપવાની સાથે સેનાએ મનોવૈજ્ઞાનિક સંરક્ષણ પ્રણાલીનો પણ ઉપયોગ કર્યો હતો. 10 મે 2025ના રોજ થયેલા કરાર બાદ તમામ સૈન્ય કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી, જે રાજદ્વારી અને લશ્કરી કુશળતાનું સંયુક્ત પરિણામ હતું.
ભવિષ્યના પડકારો અંગે ચેતવણી આપતા સેના પ્રમુખે ઉમેર્યું કે હવેના યુદ્ધો સીધા મેદાનમાં જ નહીં, પણ 'ગ્રે ઝોન'માં લડાય છે, જ્યાં દુશ્મન સામે આવ્યા વિના નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. આધુનિક યુગમાં માહિતી એ જ સૌથી મોટું હથિયાર છે અને ભારતીય સેના હવે માહિતી યુદ્ધ અને મનોવૈજ્ઞાનિક સંરક્ષણ માટે નવી અત્યાધુનિક સિસ્ટમો લાગુ કરી રહી છે. આ ઓપરેશન દ્વારા ભારતે સંદેશ આપ્યો છે કે લોકશાહી દેશની સેના સંયમ અને શક્તિ વચ્ચે કેવી રીતે સંતુલન જાળવી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
