<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

કોમનવેલ્થ ગેમ્સ 2030ના યજમાન તરીકે ભારતની સજ્જતા : રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ અમદાવાદના મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ભારતના વિઝનનો કર્યો પુનરોચ્ચાર

કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રુકેરે સાથેની ઉચ્ચ સ્તરીય બેઠકમાં શતાબ્દી ઉજવણીને યાદગાર બનાવવાનો નિર્ધાર : રમતગમતને રાષ્ટ્રીય વિકાસનો સ્તંભ બનાવવા બદલ પીએમ મોદીના નેતૃત્વની વૈશ્વિક સ્તરે પ્રશંસા

નવી દિલ્હી:કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ આજે કોમનવેલ્થ સ્પોર્ટના વરિષ્ઠ નેતૃત્વ અને પ્રતિનિધિમંડળ સાથે એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ 2030માં ભારત ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ (CWG) માટે વિશ્વ કક્ષાની, રમતવીર-કેન્દ્રીય અને ટકાઉ વ્યવસ્થા ઊભી કરવા માટેની ભારતની મક્કમ પ્રતિબદ્ધતાને દોહરાવવાનો હતો. બેઠકમાં કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રુકેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રમતગમત દ્વારા સાંસ્કૃતિક જીવંતતાનું પ્રદર્શન:
આ તકે મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ભારત રમતગમતની દુનિયાને તેના તમામ રંગો અને સાંસ્કૃતિક જીવંતતા સાથે આવકારવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે કોમનવેલ્થ ગેમ્સ 2030 ના યજમાન તરીકે ભારતની પસંદગી કરવા બદલ પ્રતિનિધિમંડળનો આભાર માનતા ઉમેર્યું હતું કે, કોમનવેલ્થની શતાબ્દી ઉજવણી એક અત્યંત યાદગાર ક્ષણ બની રહેશે. આ રમતોના સફળ આયોજન માટે સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ખેલો ઇન્ડિયા અને જાગૃતિ અભિયાન:
રમતગમત મંત્રીએ પ્રતિનિધિમંડળને ભારતના પાયાના સ્તરના રમત પ્રોજેક્ટ્સ જેવા કે 'ખેલો ઇન્ડિયા ગેમ્સ'ના વિસ્તરણ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે ખાસ કરીને મહિલાઓ માટેની 'અસ્મિતા લીગ' અને પ્રથમવાર યોજાયેલી 'ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ' પર પ્રકાશ પાડ્યો હતો. સરકાર દ્વારા યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પણ કોમનવેલ્થ ગેમ્સ અંગે જાગૃતિ લાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેથી યુવાનો અને રમતવીરો આ વૈશ્વિક ઈવેન્ટના સંદેશ સાથે જોડાઈ શકે.

પીએમ મોદીના વિઝનની પ્રશંસા:
ડોનાલ્ડ રુકેરેની આગેવાની હેઠળના કોમનવેલ્થ સ્પોર્ટ પ્રતિનિધિમંડળે રમતગમતને રાષ્ટ્રીય વિકાસ એજન્ડામાં એક મહત્વપૂર્ણ સ્તંભ તરીકે સ્થાપિત કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. આ પ્રતિનિધિમંડળમાં સીઈઓ કેટી સેડલેર, ડાયરેક્ટર ડેરેન હોલ, એન-લુઈસ મોર્ગન અને મુખ્ય ઈવેન્ટ્સ નિષ્ણાત નીલ કાર્ની જેવા મહાનુભાવોનો સમાવેશ થતો હતો.

અમદાવાદ ગેમ્સનું મુખ્ય કેન્દ્ર બનશે:
બેઠક દરમિયાન મનસુખ માંડવિયાએ અમદાવાદના સશક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બેઝ, ઉત્તમ કનેક્ટિવિટી અને સંસ્થાકીય સહયોગને CWG 2030 ની યજમાની માટેની મુખ્ય શક્તિઓ તરીકે રજૂ કરી હતી. ભારતનું વિઝન રમતવીરોનું કલ્યાણ સુનિશ્ચિત કરવા સાથે પર્યાવરણીય રીતે ટકાઉ અને લાંબા ગાળાની સકારાત્મક અસર ઊભી કરવાનું છે. આ માટે આધુનિક ટેકનોલોજી અને સિસ્ટમ્સનો મહત્તમ લાભ લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

ભવિષ્યનો રોડમેપ તૈયાર:
ચર્ચાના અંતે બંને પક્ષો આગામી સમય માટેની તૈયારીઓ, સંકલન પદ્ધતિઓ અને સમયમર્યાદાના રોડમેપ પર સહમત થયા હતા. મંત્રીએ ટકાઉ રમતગમત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ અને દેશભરમાં પાયાના સ્તરે રમતગમતની ભાગીદારી વધારવા માટેના 'વારસાનાં આયોજન' (લેગસી પ્લાનિંગ) પર મક્કમ ભાર મૂક્યો હતો.

 

(10:43 PM IST)