News of Friday, 10th April 2026
કોલ ઈન્ડિયાનો માસ્ટરસ્ટ્રોક: વિસ્ફોટકોના ભાવ આસમાને છતાં ગ્રાહકોને રાહત
એમોનિયમ નાઈટ્રેટ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારાનો કરોડોનો બોજ કંપનીએ પોતે ઉઠાવ્યો: દેશહિતમાં કોલસાના ભાવ સ્થિર રાખવાનો મોટો નિર્ણય

કોલકાતા: પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે જ્યાં વિશ્વભરમાં ઈંધણ અને કાચા માલના ભાવ વધી રહ્યા છે, ત્યારે ભારતની સરકારી મહારત્ન કંપની કોલ ઈન્ડિયાએ એક મોટો અને સાહસિક નિર્ણય લીધો છે. કંપની વાર્ષિક આશરે 9,00,000 ટન વિસ્ફોટકોનો ઉપયોગ કરે છે, જેના મુખ્ય ઘટક એમોનિયમ નાઈટ્રેટના ભાવમાં 44% જેટલો જંગી વધારો થયો છે. આમ છતાં, કોલ ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ વધારાનો બોજ ગ્રાહકો પર નાખીને મોંઘવારી વધારશે નહીં, જે ભારતીય અર્થતંત્ર માટે રાહતના સમાચાર છે.
ટેકનિકલ દૃષ્ટિએ જોઈએ તો, વિસ્ફોટકોની સરેરાશ કિંમત ફેબ્રુઆરી 2026માં ₹39,588 પ્રતિ ટન હતી, જે વધીને હવે ₹49,783 થઈ ગઈ છે. આ વધારા પાછળ મુખ્ય કારણ એમોનિયમ નાઈટ્રેટ છે, જેની કિંમત ₹50,500 થી વધીને ₹72,750 પ્રતિ ટન પર પહોંચી ગઈ છે. કોલ ઈન્ડિયાએ સ્ટોક એક્સચેન્જને જણાવ્યું છે કે વિસ્ફોટકોમાં એમોનિયમ નાઈટ્રેટનો હિસ્સો 60% જેટલો હોય છે, અને 1 માર્ચ 2026 થી આ આંતરરાષ્ટ્રીય કટોકટીને કારણે ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે.
માત્ર વિસ્ફોટકો જ નહીં, પણ કોલ ઈન્ડિયા તેના ખાણકામમાં વપરાતા ઔદ્યોગિક ડીઝલના વધેલા ભાવનું વળતર પણ કોન્ટ્રાક્ટરોને પોતે આપી રહી છે. દેશના કુલ કોલસા ઉત્પાદનમાં 80% થી વધુ હિસ્સો ધરાવતી આ કંપનીએ સાબિત કર્યું છે કે નફા કરતા દેશને સસ્તો કોલસો પૂરો પાડવો તેમની પ્રાથમિકતા છે. યુદ્ધ જેવી સ્થિતિમાં જ્યારે અન્ય ખાનગી કંપનીઓ ભાવ વધારી રહી છે, ત્યારે કોલ ઈન્ડિયાનો આ અભિગમ ઉર્જા ક્ષેત્રમાં સ્થિરતા જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
