News of Saturday, 11th April 2026
ગુજરાત બન્યું ભારતની કાર નિકાસનું ગેટ વે: મુંદ્રા પોર્ટથી વિશ્વના ૧૦૦ દેશોમાં નિકાસ, એક જ દિ’માં ૬૦૦૮ કાર નિકાસનો નેશનલ રેકર્ડ
ગત વર્ષે ભારતમાં બનેલી ૨ લાખ ૨૯ હજાર કારની મુંદ્રાથી નિકાસ કરાઈ, અદાણી APSEZ નું રો-રો ટર્મિનલ આધુનિક સુવિધાઓથી સજ્જ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧ : અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) સંચાલિત વિવિધ સેવાઓમાં સતત નવા રેકોર્ડ્સ સર્જાઈ રહ્યા છે. તાજેતરમાં અદાણી પોર્ટ્સના મુન્દ્રા રો-રો ટર્મિનલે એક નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપિત કર્યો છે. પોર્ટે MV NOCC ADRIATIC જહાજ પર એક જ શિપમેન્ટમાં 6,008 કારની નિકાસ કરીને ભારતમાં સૌથી વધુ કાર નિકાસનો રેકોર્ડ બનાવ્યો છે. આ સિદ્ધિ ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.
ગત નાણાકીય વર્ષ દરમિયાન મુન્દ્રા રો-રો ટર્મિનલે કુલ 2,29,000+ કારની નિકાસ કરીને દેશના ઓટોમોબાઈલ સેક્ટરમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આ ટર્મિનલ ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ પરિબળ તરીકે ઉભરી આવ્યું છે. અદાણી પોર્ટ્સ મુન્દ્રા દ્વારા RORO સુવિધાના માધ્યમથી વાહનોની નિકાસ વિશ્વના 100થી વધુ દેશોમાં કરવામાં આવે છે.
મુન્દ્રા રો-રો ટર્મિનલના અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અનુભવી ઓપરેશન ટીમના કારણે જહાજની અંદર વાહનોના વિશિષ્ટ પાર્કિંગ અને સમયસર પરિવહનની કાર્યક્ષમતા અસાધારણ છે. પોર્ટની ટીમની સખત મહેનત અને સમર્પણને કારણે જ આ રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિ હાંસલ થઈ છે.
2009માં સ્થાપિત મુન્દ્રા રો-રો ટર્મિનલ આજે દિલ્હી-એનસીઆર, રાજસ્થાન અને ગુજરાતમાં આવેલી અનેક ઓટોમોબાઈલ કંપનીઓ માટે મુખ્ય ગેટવે પોર્ટ તરીકે કાર્યરત છે. આ ટર્મિનલ રાઉન્ડ-ધ-ક્લોક સેવા આપે છે અને વિશ્વભરના વિવિધ દેશોમાં કાર, બસ તેમજ ટ્રકની નિકાસનું સંચાલન કરે છે. આ ટર્મિનલ અનન્ય અલ્ટ્રા-મોર્ડન ફ્લોટિંગ પોન્ટૂન અને લિંક સ્પાનથી સુસજ્જ છે. આ વિશેષ વ્યવસ્થાને કારણે ટર્મિનલ રાઉન્ડ-ધ-ક્લોક (૨૪ કલાક) કાર્યરત રહી શકે છે અને સમુદ્ર ની ભરતી – ઓટ ની અસર વિના વાહનોનું લોડિંગ-અનલોડિંગ થઈ શકે છે. ટર્મિનલમાં બફર યાર્ડ, વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા તેમજ વાહનો ધોવા માટેની આધુનિક સુવિધા પણ ઉપલબ્ધ છે.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
