<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

મેકઅપ કિટ બાબતે વર-કન્‍યા પક્ષ વચ્‍ચે પથ્‍થરમારો

દુલ્‍હન વગર પાછી ફરી જાન!સાસરેથી મેકઅપનો સામાન ઓછો આવ્‍યો તો દુલ્‍હન ગુસ્‍સે ભરાઈ ગઈ અને લગ્ન કરવાની ના પાડી દીધી : બંને પક્ષો વચ્‍ચે વિવાદ શરૂ થયો હતો અને જોતજોતામાં પથ્‍થરમારો થયો હતોઃ પોલીસે કોઈક રીતે મામલો શાંત પાડયો

બિજનૌર,તા.૧૧:  બિજનૌરના નહટૌર નગરના એક બેન્‍ક્‍વેટ હોલમાં અફરાતફરી મચી ગઈ હતી. દુલ્‍હને મેકઅપનો સામાન ઓછો જોઈને લગ્નનો ઇનકાર કરી દીધો હતો. આ સામાન વર પક્ષ લઈને આવ્‍યો હતો. આ દરમિયાન બંને પક્ષો વચ્‍ચે વિવાદ એટલો વધી ગયો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. જોતજોતામાં પથ્‍થરમારો થયો અને હોબાળામાં વરરાજાની ગાડીને પણ નુકસાન થયું હતું. હાલ આ મારામારીની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, બિજનૌરના નૂરપુરના ઈસ્‍લામ નગરના રહેવાસી યુવકના લગ્ન નહટૌરના જસમોરા ગામની યુવતી સાથે નક્કી થયા હતા. ૮ એપ્રિલ બુધવારની રાત્રે નહટૌર ધામપુર માર્ગ પર આવેલા બેન્‍ક્‍વેટ હોલમાં જાન આવી હતી. જ્‍યારે વિધિઓ શરૂ થવાની હતી, ત્‍યારે અચાનક દુલ્‍હને લગ્ન કરવાની ના પાડી દીધી, કારણ કે તે મેકઅપનો સામાન ઓછો લાવવાને કારણે નારાજ હતી.

દુલ્‍હનના આ નિર્ણયથી ત્‍યાં સોપો પડી ગયો. જોતજોતામાં ખુશીનો માહોલ તણાવમાં બદલાઈ ગયો હતો. દુલ્‍હનના ઇનકાર બાદ વર અને કન્‍યા પક્ષના લોકો સામસામે આવી ગયા હતા. બંને એકબીજા પર આક્ષેપો કરતા પહેલા દલીલો કરવા લાગ્‍યા અને પછી બોલાચાલીથી શરૂ થયેલો વિવાદ મારામારીમાં ફેરવાઈ ગયો હતો. હાલ આ મારામારીની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પ્રત્‍યક્ષદર્શીઓના જણાવ્‍યા અનુસાર, બંને તરફથી જોરદાર ઈંટ-પથ્‍થરનો મારો ચાલ્‍યો હતો. આ પથ્‍થરમારામાં વરરાજાની કારના કાચ તૂટી ગયા અને ગાડી ખરાબ રીતે ક્ષતિગ્રસ્‍ત થઈ ગઈ હતી. કન્‍યા પક્ષના લોકોએ વરરાજાના ભાઈને માર માર્યો હતો, જેણે કોઈક રીતે પોતાનો બચાવ કર્યો હતો. હોબાળાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી અને પરિસ્‍થિતિનો તાગ મેળવ્‍યો હતો. પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી અને પોલીસ સ્‍ટેશન લઈ ગઈ હતી, જ્‍યાં બંને પક્ષો વચ્‍ચે સમાધાનની વાત ચાલી રહી હતી.

કોતવાલ રવીન્‍દ્ર પ્રતાપે જણાવ્‍યું કે, હજુ સુધી કોઈ પક્ષ તરફથી ફરિયાદ મળી નથી. ફરિયાદ મળ્‍યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. એવું પણ જાણવા મળ્‍યું છે કે, દુલ્‍હન અને વરરાજા પહેલાથી જ સંબંધી છે. બીજી તરફ મોડી રાત્રે બંને પક્ષો વચ્‍ચે સમાજના આગેવાનોની હાજરીમાં સમાધાન થઈ ગયું હતું, જેમાં નક્કી થયું કે હવે આ લગ્ન નહીં થાય. જાન દુલ્‍હન વગર પાછી જશે અને વર પક્ષ લગ્ન દરમિયાન કન્‍યા પક્ષનો જે પણ ખર્ચ થયો છે તે આપશે. આ પછી રાત્રે જ જાન પરત ફરી હતી.

(10:07 AM IST)