News of Saturday, 11th April 2026
દો સિતારો કા મિલન.. મોદી-રાહુલ ગાંધી વચ્ચેની મુલાકાતે સૌને ચોંકાવ્યા
સંસદના ‘પ્રેરણા સ્થળ' પર રાજકીય ગરમાવોઃ વિરોધના વંટોળ વચ્ચે સંવાદની એક દુર્લભ ક્ષણ : પીએમ મોદી કારમાંથી ઉતર્યા અને સીધા રાહુલ ગાંધી પાસે પહોંચ્યાઃ બંને નેતાઓ વચ્ચેની આ લાંબી ચર્ચાએ દેશભરમાં કુતૂહલ જગાડ્યું

નવી દિલ્હી, તા.૧૧: સંસદના ચોગાનમાં જ્યાં હંમેશા શબ્દોના પ્રહાર થતા હોય છે, ત્યાં શનિવારે સવારે એક અણધાર્યું દ્રશ્ય સર્જાયું. મહાત્મા જ્યોતિબા ફૂલેની ૨૦૦મી જન્મજયંતિ નિમિત્તે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષી નેતા રાહુલ ગાંધી સામસામે આવ્યા, ત્યારે વાતાવરણમાં છવાયેલી રાજકીય ખાઈ જાણે ક્ષણભર માટે ભરાઈ ગઈ હોય તેમ લાગ્યું. મોદીએ પોતાની કારમાંથી ઉતરીને સ્મિત સાથે રાહુલ ગાંધી પાસે ઉભા રહીને જે ટૂંકી પણ ગંભીર ચર્ચા કરી, તેણે ત્યાં હાજર રહેલા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને અન્ય નેતાઓને પણ કુતૂહલવશ કરી દીધા.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે. સામાન્ય રીતે જે નેતાઓ ગળહમાં એકબીજાની નીતિઓ પર આકરા પ્રહાર કરવાની કોઈ તક છોડતા નથી, તેમની વચ્ચેની આ કેમિસ્ટ્રી અને શાંત વાતચીતે રાજકીય વિશ્લેષકોને વિચારતા કરી દીધા છે. જોકે આ વાતોનો વિષય શું હતો તે હજુ પણ એક રહસ્ય છે, પરંતુ જે રીતે બંને નેતાઓ ગંભીરતાથી એકબીજાને સાંભળતા જોવા મળ્યા, તે દર્શાવે છે કે લોકશાહીમાં તીવ્ર મતભેદો છતાં વ્યક્તિગત શિષ્ટાચાર માટે હજુ પણ અવકાશ છે.
વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાંજલિ અર્પતા સમયે ફૂલેના સામાજિક ન્યાય અને શિક્ષણના મૂલ્યોને યાદ કર્યા હતા, પરંતુ સમાજ સુધારકની પ્રતિમા નીચે થયેલી આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતે આખા દિવસની હેડલાઈન્સ કબજે કરી લીધી. રાજકારણમાં દુશ્મનાવટ નહીં પણ વૈચારિક સ્પર્ધા હોવી જોઈએ, તેવો સૂક્ષ્મ સંદેશ આ દ્રશ્ય દ્વારા દેશભરમાં ગયો છે. લોકોમાં હવે એ જ ઉત્સુકતા છે કે શું આ મૌન વાર્તાલાપ પાછળ કોઈ મોટા રાજકીય પરિવર્તનના સંકેત છે કે પછી આ માત્ર એક ઔપચારિક મુલાકાત હતી?
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
