News of Saturday, 11th April 2026
ઓપરેશન સિંદૂરનો બદલો? પાકિસ્તાન ચીની 'સુપર-વેપન્સ'થી ભારતને ઘેરવાની તૈયારીમાં!
મે 2025ના હવાઈ જંગમાં ગુમાવેલા ઘાતક AWACS વિમાનની ભરપાઈ કરવા પાકિસ્તાન હવે ચીન પાસેથી J-35A સ્ટીલ્થ ફાઇટર અને HQ-19 મિસાઈલ સિસ્ટમનું શક્તિશાળી કવચ ખરીદી રહ્યું છે

ઈસ્લામાબાદ: મે 2025માં ભારતીય વાયુસેના દ્વારા ચલાવવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર'માં પાકિસ્તાનને થયેલો જખમ હજુ રુઝાયો નથી. ભારતીય મિસાઈલોએ પાકિસ્તાનના ગર્વ સમાન સાબ એરી-2000 (AWACS) વિમાન અને અનેક F-16 ફાઈટર જેટ્સને આકાશમાં જ રાખ કરી દીધા હતા. આ નુકસાન એટલું મોટું હતું કે પાકિસ્તાની વાયુસેનાની 'આંખ' ગણાતી સર્વેલન્સ ક્ષમતા સાવ પડી ભાંગી હતી. હવે આ ખાઈને પૂરવા માટે ઈસ્લામાબાદે બેજિંગનો દરવાજો ખખડાવ્યો છે, જ્યાં જૂન 2025થી શરૂ થયેલી ગુપ્ત વાટાઘાટો અંતર્ગત ચીની 'શાંક્સી KJ-500' AWACS વિમાન મેળવવાની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે.
પાકિસ્તાન માત્ર સર્વેલન્સ વિમાન જ નહીં, પરંતુ ભારતની સરહદે ચીની બનાવટના અત્યાધુનિક J-35A સ્ટીલ્થ ફાઇટર અને HQ-19 એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરવાની પેરવીમાં છે. KJ-500 એક એવું 'હવાઈ કંટ્રોલ રૂમ' છે જે લાંબા અંતરથી જ ભારતીય ડ્રોન અને મિસાઈલોને ટ્રેક કરવાની ક્ષમતા ધરાવે છે. આ સંરક્ષણ પેકેજ દ્વારા પાકિસ્તાન નેટવર્ક-આધારિત લડાઈ (Sensor Fusion) માં ભારતની બરાબરી કરવા ઈચ્છે છે, જેથી ભવિષ્યમાં ઓપરેશન સિંદૂર જેવી સર્જિકલ એર સ્ટ્રાઈક સામે તે રક્ષણ મેળવી શકે.
રસપ્રદ વાત એ છે કે પાકિસ્તાની સૈન્ય સત્તાવાર રીતે નુકસાનની કબૂલાત કરતા ખચકાય છે, પરંતુ ભૂતપૂર્વ એર માર્શલ મસૂદ અખ્તરે સ્વીકાર્યું છે કે ભોલારી એરબેઝ પર ભારતીય મિસાઈલ હુમલામાં તેમણે કિંમતી એસેટ્સ ગુમાવી છે. ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે ઓગસ્ટ 2025માં સ્પષ્ટ કર્યું હતું કે ભારત પાસે પાકિસ્તાની C-130 અને ફાઈટર જેટ્સના વિનાશના પાકા પુરાવા છે. હવે જોવાનું એ રહેશે કે ચીની રમકડાં પાકિસ્તાનની આકાશમાં નબળી પડેલી પકડને મજબૂત કરી શકશે કે કેમ?
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
