બિહારમાં 'ખુરશી'નો ખેલ: નીતિશ કુમારના રાજીનામાની અટકળો વચ્ચે પટનામાં નવી સરકારની તૈયારીઓ તેજ
રાજકીય પારો સાતમા આસમાને: પીએમ મોદી અને અમિત શાહની હાજરીમાં ભવ્ય શપથ ગ્રહણ સમારોહના એંધાણ : 15 કે 18 એપ્રિલે બિહારને મળી શકે છે નવી કેબિનેટ અને નવો વળાંક

પટના: બિહારના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે, જેના કારણે પટનાથી લઈને દિલ્હી સુધી હલચલ મચી ગઈ છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને વધતી જતી રાજકીય ગતિવિધિઓ અને નાયબ મુખ્યમંત્રી વિજય સિંહાની વારંવારની મુલાકાતો સૂચવે છે કે પડદા પાછળ કંઈક મોટું રંધાઈ રહ્યું છે. અત્યારે સૌથી મોટી ચર્ચા નીતિશ કુમારના સંભવિત રાજીનામાની છે, જે 14 એપ્રિલની સાંજ સુધીમાં રાજ્યપાલને સોંપવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. આ સાથે જ વર્તમાન કેબિનેટની છેલ્લી બેઠકની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે, જે રાજ્યમાં એક નવા શાસકીય અધ્યાયની શરૂઆત પૂર્વેની ઔપચારિકતા મનાય છે.
નવી સરકારના શપથ ગ્રહણ માટે લોકભવન ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓને બે અલગ-અલગ તારીખો, 15 એપ્રિલ અને 18 એપ્રિલ માટે એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ તારીખોનો મુખ્ય આધાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસ કાર્યક્રમ પર રહેલો છે. જો વડાપ્રધાનનો સમય 15 તારીખે અનુકૂળ નહીં હોય, તો આ ભવ્ય સમારોહ 18 એપ્રિલ સુધી લંબાઈ શકે છે. વહીવટીતંત્ર અત્યારે 'વેઈટ એન્ડ વોચ'ની સ્થિતિમાં છે, પરંતુ શપથ ગ્રહણ સ્થળ પરની સુરક્ષા અને વ્યવસ્થા જોઈને સ્પષ્ટ થાય છે કે બિહારમાં સત્તાનું નવું સમીકરણ લગભગ નક્કી થઈ ગયું છે.
આ સમગ્ર હિલચાલમાં ભાજપના દિગ્ગજ નેતાઓ સમ્રાટ ચૌધરી અને લખવિંદર પાસવાનની સક્રિયતાએ રાજકીય અટકળોને વધુ વેગ આપ્યો છે. મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે અને કયા નવા ચહેરાઓ જોવા મળશે તે અંગે અંદરખાને મનોમંથન ચાલી રહ્યું છે. પટનાની સડકો પર અત્યારે માત્ર એક જ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે શું નીતિશ કુમાર ફરી એકવાર 'માસ્ટર સ્ટ્રોક' મારશે કે પછી ભાજપ પોતાની વ્યૂહરચના મુજબ નવી સરકારનું સુકાન સંભાળશે. 14 એપ્રિલની એ સાંજ બિહારના ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક સાબિત થવાની છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
